મસ્જિદમાં તબલિગી જમાતના 11 શખ્સો મળતા પોલીસે પકડીને ક્વોરન્ટાઇનમાં મૂક્યા
- ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં
- તલાટીએ મસ્જિદના પ્રમુખને નોટિસ આપી ખુલાસો માગ્યો તમામ ૧૧ શખ્સો મહારાષ્ટ્રના સોલાપુરથી આવ્યા હતા
આણંદ, તા.06 એપ્રિલ 2020, સોમવાર
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે આવેલ એક મસ્જિદમાં તબલીગી જમાતના કેટલાક વ્યક્તિઓ રોકાયા હોવાની જાણ ભાલેજ પોલીસને થતા પોલીસ દ્વારા તમામ ૧૧ શખ્શોને કોરન્ટાઈન કરાયા હતા. બાદમાં આ અંગે પોલીસે ગામના તલાટીને જાણ કરતા તલાટી દ્વારા મસ્જિદના પ્રમુખને નોટીસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું છે. બીજી તરફ પોલીસે મસ્જિદ ખાતે રોકાયેલ ૧૧ વ્યક્તિઓની ઓળખ કરી તેઓને મેડિકલ ચેકઅપ કરાવ્યા હતા. જો કે હાલ આ તમામના મેડિકલ પરીક્ષણમાં કંઈ વાંધાજનક મળ્યું ન હોવાનું ભાલેજ પોલીસે જણાવ્યું છે.
વધુમાં મળતી વિગતો મુજબ તાજેતરમાં ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ભાલેજ ગામની જુની મસ્જિદ ખાતે તબલીગી જમાતનો એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહારાષ્ટ્રના સોલાપુરથી ૧૧ જેટલા વ્યક્તિઓ સૌપ્રથમ ડીસેમ્બર માસમાં આણંદ ખાતે આવ્યા હતા. જ્યાંથી ૧૯ માર્ચના રોજ મહારાષ્ટ્રના આ તમામ શખ્શો ભાલેજ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. જો કે ત્યારબાદ લોકડાઉનની પરિસ્થિતિ જાહેર થતાં મહારાષ્ટ્રના આ તમામ શખ્શો મસ્જિદ ખાતે રોકાયા હતા.
જો કે આ અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ મસ્જિદના પ્રમુખે તંત્રને જાણ ન કરતા આ વાતની જાણ તલાટીને થતા તેઓએ મસ્જિદના પ્રમુખને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે. આ અંગે ભાલેજ પોલીસ મથકના પીએસઆઈ સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગત ડીસેમ્બર માસમાં મહારાષ્ટ્રના સોલાપુરના ૧૧ શખ્શો આણંદ ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ભાલેજ મુકામે રોકાયા હતા.
જો કે લોકડાઉનની પરિસ્થિતિને લઈ સોલાપુરના આ ૧૧ શખ્શો અટવાઈ પડયા હતા અને તેની જાણ ભાલેજ પોલીસને થતાં પોલીસ દ્વારા આ તમામ શખ્શોને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામનું મેડીકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે અને રીપોર્ટમાં કંઈ વાંધાજનક ન આવ્યું હોવાનું અને દિલ્હીના નિઝામુદ્દીન કેસ સાથે તેઓને કોઈ નિસબત ન હોવાનું પીએસઆઈએ ઉમેર્યું હતું.
લોકડાઉનમાં અટવાયેલા અંગે ધાર્મિક સ્થળો ખુલાસો કરતા નથી
કોરોના મહામારી વચ્ચે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે આણંદ જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક સ્થાનો ખાતે અન્ય રાજ્યોમાંથી આવેલ કેટલાક લોકો રહેતા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવતા લોકો ધાર્મિક સ્થળો ખાતે રોકાયા બાદ લોકડાઉનની પરિસ્થિતિને લઈને અટવાઈ પડયા છે.
જો કે કેટલાક ધાર્મિક સ્થળોના સંચાલકો દ્વારા આ માહિતી છુપાવવામાં આવતી હોવાની વાતો પણ વહેતી થઈ છે ત્યારે આણંદ જિલ્લામાં કોરોના વાયરસ પગપેસારો કરે તે પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરી અન્ય રાજ્યોમાંથી આવેલ લોકોને કોરન્ટાઈન કરી તેઓની મેડિકલ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.