આણંદ જિલ્લામાં ગામડાઓમાં વાઈરસનો ચેપ વધ્યો : ભાલેજના આધેડને કોરોના
- આધેડ અમદાવાદથી ઈદ કરવા ભાલેજ આવ્યા હતા
- ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ટીમે ભાલેજ દોડી જઈને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરાયો
આણંદ, તા.15 જૂન 2020, સોમવાર
આણંદ જિલ્લામાં ધીમે-ધીમે કોરોના વાયરસ ગ્રામ્ય વિસ્તાર તરફ પગપેસારો કરી રહ્યો હોય તેમ હવે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનાના કેસો પ્રકાશમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. અગાઉ આંકલાવના નવાખલ તેમજ ઉમરેઠના અહીમા ગામેથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા બાદ હવે ઉમરેઠ તાલુકાના ભાલેજ ખાતે રહેતા એક આધેડનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા નાનકડા ગામમાં ભારે ખળભળાટી મચી જવા પામી છે. ભાલેજ ગામેથી કોરોનાગ્રસ્ત દર્દી મળી આવતા આરોગ્ય વિભાગની ટીમો ભાલેજ ખાતે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો તેમજ તેઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના આરોગ્યની તપાસણી હાથ ધરી હતી.
ગઈકાલે તાલુકા મથક ઉમરેઠ ખાતેથી કોરોનાના બે પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા બાદ આજે ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામેથી વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ભાલેજ ગામમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. ડાકોર રોડ ઉપર આવેલ મહંમદી સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય આધેડ મુળ જમાલપુરના છે અને અમદાવાદ ખાતે નોકરી કરે છે. તેઓ ઈદ પર્વ ઉપર પોતાની પત્ની સાથે ભાલેજ ખાતે આવ્યા હતા. થોડો સમય ભાલેજ ખાતે રહ્યા બાદ તેઓ પરત અમદાવાદ ગયા હતા અને થોડા દિવસ પૂર્વે જ ભાલેજ પરત ફર્યા હતા. દરમ્યાન તેઓની તબિયત લથડતા તેઓને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમ્યાન તબીબોને તેઓનામાં શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. ભાલેજ ગામેથી કોરોનાગ્રસ્ત દર્દી મળી આવતા આરોગ્ય વિભાગ પોલીસ તેમજ ગ્રામ પંચાયતની ટીમો તુરંત જ મહંમદી સોસાયટી ખાતે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીના રહેઠાણની આસપાસના મકાનોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેઓના પરિવારજનોને પણ કોરોન્ટાઈન કરી આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સાંપડયા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૧૨૯ ઉપર પહોંચ્યો છે.