આણંદ જિલ્લાની અદાલતોમાં માત્ર તાત્કાલિક સુનાવણીના કેસો ચાલશે
- કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે
- આગામી 31 માર્ચ સુધી પક્ષકારોએ પોતાના વકીલોની સૂચના વિના કોર્ટમાં આવવાનું ટાળવા અપીલ કરાઈ
આણંદ,તા.19 માર્ચ 2020, ગુરુવાર
નોવોલ કોરોના વાઈરસના કારણે ડબલ્યુએચઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. વિશ્વમાં કોરોના વાઈરસનાં ૧.૨૫ લાખથી વધુ કેસો તેમજ ૬૫૦૦થી વધુનાં મૃત્યું નોંધાયા છે. ભારતમાં આ રોગથી કુલ ૧૦૦થી વધુ કેસો નોંધાયેલ છે. કોરોના વાઈરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે.
હાલમાં વિશ્વમાં તથા અન્ય દેશોમાં પ્રવર્તી રહેલ કોરોના વાઈરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં રાજ્યમાં કોરોના વાઈરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર દ્વારા જરૂરી પરિપત્ર મારફતે સમયાંતરે મળેલ સૂચનાઓ તેમજ નામ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા તકેદારીના પગલાંના ભાગરૂપે અને સૂચનાઓ અન્વયે નામ, ગુજરાત રાજ્યની વડી અદાલત તરફથી તા.૧૭-૦૩-૨૦૨૦નાં રોજ કરેલ પરિપત્રથી સૂચનાઓ આપવામાં આવેલ છે.
તદ્દઅનુસાર આણંદ કોર્ટ સંકુલ તેમજ તાબાની તમામ અદાલતોમાં (તાલુકા મથક સહિત) આવતાં પક્ષકારો, વકીલો, ન્યાયિક અધિકારીઓ, કર્મચારી સ્ટાફ સભ્યો તમામની શારીરિક સ્વાસ્થ્ય સંબંધી સુરક્ષા હેતુસર, લાંબા સમય માટે વધુ વ્યક્તિઓ ભેગા ન થાય તે માટે અગમચેતી/તકેદારીનાં પગલાંરૂપે જિલ્લા ન્યાયાલય, આણંદ તથા તેના તાબાની તમામ અદાલતો તેમજ તાલુકા મથકોની તમામ અદાલતોમાં ચાલતા કેસોનાં પક્ષકારોને વિનંતી કરવાની કે, હાલ પુરતા એટલે કે આગામી તા.૩૧-૦૩-૨૦૨૦ સુધી અનિવાર્ય સંજોગો અથવા કેસોની તાત્કાલિક સુનાવણીનાં કામ સિવાય તેમજ પોતાનાં વકીલોનો સંપર્ક કર્યા સિવાય કે તેમની સલાહ/સૂચનો સિવાય જિલ્લા ન્યાયાલય, આણંદ તથા તાબાની તમામ અદાલતો (તાલુકા મથકની અદાલતો સહિત)માં આવવાનું ટાળવું જેથી નોવેલ કોરોના વાઈરસ જેવી વૈશ્વિક મહામારીનાં ફેલાવાને વધતો અટકાવી શકાય તેમ આણંદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી.એમ. રાવલે એક યાદી દ્વારા જણાવ્યું છે.