વાસદ પાસેના બ્રિજ ઉપર પાસની આડમાં દારૂ લઈ જતા 3 ઝડપાયા
- ઈકો કારમાં જથ્થો છૂપાવીને જતા હતા
આણંદ, તા.18 એપ્રિલ, 2020, શનિવાર
આણંદ જિલ્લાના વાસદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૮ના બ્રીજ ઉપરથી વાસદ પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે વાહન મુક્તિ પાસની આડમાં એક ઈક્કો કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને લઈ જતા ત્રણ શખ્શોને ઝડપી પાડયા હતા. વાસદ પોલીસે વિદેશી દારૃ તથા ઈક્કો કાર મળી કુલ્લે રૃા.૩.૯૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ત્રણેય શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ સમગ્ર દેશભરમાં કોરોના વાયરસને લઈને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં પણ પોલીસ તંત્ર દ્વારા વિવિધ ચેકપોસ્ટ ખાતે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન ગઈકાલે વાસદ પોલીસ મથકના પોસઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવેલ વાસદ ગામના બ્રીજ ઉપરથી એક ઈક્કો કાર પસાર થતા પોલીસે શંકાના આધારે તેને અટકાવી હતી. દરમ્યાન પોલીસે ઈક્કો કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે વિજયકુમાર જ્યંતિલાલ અઘારા (રહે.જુના દેવળીયા, તા.હડવદ, જિ.મોરબી), ચિરાગ સુરેશભાઈ જારીયા (રહે.ખેતીવાડી કેમ્પસ, આણંદ) તથા ભાવેશ નીરૃભાઈ જાદવ (રહે.મોરબી) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે વિદેશી દારૃનો જથ્થો બે મોબાઈલ તેમજ એક ઈક્કો કાર મળી કુલ્લે રૃા.૩,૯૨,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.