આણંદના પાધરિયા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી નિયમિત સફાઈ ન થતા પરેશાની
- પોઝિટિવ કેસ નોંધાતા વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટાઈન કરાયો
- 100 જેટલી સોસાયટીના રસ્તા બંધ કરાતા ૪ હજારથી વધુ લોકોને જીવન જરૃરી ચીજવસ્તુઓ માટે પડતી હાલાકી
આણંદ, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
આણંદ શહેરમાં ગત તા.૭ના રોજ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું હતું અને શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલ એન્ટરપ્રાઈઝ સોસાયટીની આસપાસનો 500 મીટર વિસ્તાર ક્લસ્ટર કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો.
જેને પગલે આ વિસ્તારમાં આવેલ 100 જેટલી સોસાયટીઓના પ્રવેશદ્વાર બંધ કરી દેવાતા અંદાજે 4000 થી વધુ લોકો ઘરોમાં પુરાઈ જતા જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓ મેળવવા આ વિસ્તારના લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે સાથે છેલ્લા ૧૫ દિવસથી કોરોન્ટાઈન કરાયેલ આ વિસ્તારમાં યોગ્ય સાફ-સફાઈ ન થવાના કારણે ગંદકીના ઢગ ખડકાયા છે.
આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં રહેતા એક ૫૪ વર્ષીય વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેને લઈ તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સાવચેતીના પગલાંરૃપે સમગ્ર પાધરીયા વિસ્તારને ક્લસ્ટર કોરોન્ટાઈન કરી વિવિધ વિસ્તારોને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. કોરોનાના કેસને લઈ આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ પ્રવેશ તેમજ બહાર જવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી હતી. આશરે ૧૦૦ જેટલી સોસાયટીઓ ક્લસ્ટર કોરોન્ટાઈન કરાતા આ વિસ્તારમાં રહેતા કેટલાક ગરીબ પરિવારના લોકોને જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં દૂધ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓની અછત વર્તાઈ રહી છે. આ વિસ્તારમાં નાકાબંધી કરાતા દૂધ, શાકભાજી તેમજ ફળ-ફળાદિનો વેપાર કરતા ફેરીયાઓ આ વિસ્તારમાં પ્રવેશી શકતા નથી. તો બીજી તરફ ઘરોમાં પુરાઈ રહેલ વ્યક્તિઓ અનાજ-કરિયાણા સહિતની ચીજવસ્તુઓ ખરીદવા બહાર ન નીકળી શકતા ભારે અગવડતા સર્જાઈ હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. જેથી આ વિસ્તારમાં રહેતા રહીશોમાં તંત્ર સામે રોષ ભભુકી ઉઠયો છે. આ વિસ્તારને ક્લસ્ટર કોરોન્ટાઈન કર્યાને ૧૫ દિવસ જેટલો સમય વીતી ચુક્યો છે અને ગત તા.૭મીના રોજ કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયા બાદ અન્ય એકપણ કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો નથી ત્યારે આ વિસ્તારના રહીશો માટે કેટલીક છુટછાટો આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે.