નર્મદા માઇનોર કેનાલમાં મોટર સાઇકલ ખાબકી: એક બચી ગયો, બે યુવાન તણાયા
- વડોદરા જિલ્લાની શેરખી ગામ નજીકની ઘટના
- કોસીન્દ્રાના ત્રણ યુવાનો વડોદરા નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે એકાએક સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવ્યો: બાઇક મળી પણ બે યુવાનો લાપતા
આણંદ,તા.17 ફેબ્રુઆરી 2020 સોમવાર
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામના ત્રણ યુવાનો આજે સવારના સુમારે મોટરસાયકલ ઉપર સવાર થઈ વડોદરા ખાતે નોકરી અર્થે જઈ રહ્યા હતા ત્યારે વડોદરા જિલ્લાના શેરખી ગામ નજીકથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલમાં મોટરસાયકલ ખાબકતા ત્રણેય યુવાનો ડુબવા લાગ્યા હતા.
જો કે ત્રણ પૈકીના એક યુવાને ઝાડનું ડાળખું પકડી લેતાં તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ વડોદરા ફાયરબ્રિગેડને થતાં ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નહેરના પાણીમાંથી મોટરસાયકલને બહાર કાઢી બે યુવાનોની શોધખોળ આરંભી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામે જામ્બુડી તલાવડી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ અશોકભાઈ પરમાર, વૈભવભાઈ ઈશ્વરભાઈ વાળંદ અને લક્ષ્મણભાઈ મેલાભાઈ પરમાર વડોદરા ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હોઈ નિત્યક્રમ મુજબ આજે સવારના સુમારે આ ત્રણેય યુવાનો મોટરસાયકલ ઉપર સવાર થઈ વડોદરા ખાતે નોકરી ઉપર જવા નીકળ્યા હતા. દરમ્યાન વડોદરા જિલ્લાના શેરખી ગામ નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલ નજીકથી તેઓની મોટરસાયકલ પસાર થઈ રહી હતી ત્યારે મોટરસાયકલના ચાલકે મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા ત્રણેય યુવાનો મોટરસાયકલ સહિત નર્મદા કેનાલમાં ખાબક્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીમાં ડૂબતા ત્રણેય યુવાનોને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી.
જો કે લક્ષ્મણભાઈ મેલાભાઈ પરમારે કેનાલના પાળા ઉપર આવેલ ઝાડનું ડાળખુ પકડી લેતાં તેઓનો આબાદ બચાવ થયો હતો અને સ્થાનિકોએ તેઓને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બીજી તરફ ગોપાલભાઈ અને વૈભવભાઈ પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ ઘટનાની જાણ વડોદરા ફાયરબ્રિગેડના લાશ્કરોને થતાં ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાં દોઢ કી.મી. સુધીના અંતરમાં બંને યુવાનોની સઘન શોધખોળ આરંભી હતી.
જો કે કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે બંને યુવાનો હાથ લાગ્યા ન હતા. ફાયરબ્રિગેડના લાશ્કરોએ કેનાલમાંથી મોટરસાયકલને બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ વડોદરા પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ વાયુવેગે આ વાત કોસીન્દ્રા ગામે પહોંચતા પરિવારજનો ઉપર આભ તુટી પડયું હતું અને પરિવારજનોએ આક્રંદ મચાવતા નાનકડા ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.