પેટલાદના સુણાવ રોડ પર 500 મણથી વધુ લાકડું ઝડપાતા રૂા. 12,500 નો દંડ
- ઈન્ચાર્જ મામલતદારની ટીમે દરોડો પાડતા અલગ અલગ ટ્રેક્ટરોમાંથી લાકડાનો ગેરકાયદે જથ્થો ઝડપાયો
આણંદ, તા.27 જૂન 2020, શનિવાર
સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ તા.૧૫ જૂનથી તા.૧૫ ઓક્ટોબર સુધી વૃક્ષ નહી કાપવાનો આદેશ હોઈ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાંથી ગેરકાયદેસર વૃક્ષછેદન થઈ રહ્યું હોવાની મળેલ ફરિયાદને લઈ ઈન્ચાર્જ મામલતદાર અને તેઓની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરતા પાંચ જેટલા ટ્રેક્ટરોમાં ગેરકાયદેસર છેદન કરેલ અને બીન પરવાનગીવાળા વૃક્ષો કાપેલા હોવાનું ખુલતા તમામને સૌરાષ્ટ્ર વૃક્ષ છેદનની કલમ હેઠળ દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તત્વોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
આણંદ જિલ્લાના તાલુકા મથક પેટલાદ ખાતે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિએ માઝા મુકી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સાથે સાથે આ રીતે વૃક્ષો કાપી હરાજીની પ્રક્રિયા શરૃ થતા પર્યાવરણ પ્રેમીઓએ ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પગલાં ભરવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
જેને લઈ ઈન્ચાર્જ મામલતદારે તેઓની ટીમને સાથી રાખી સુણાવ રોડ ઉપર લાકડાની હરાજીના સ્થળ ઉપર ઓચિંતો છાપો મારતા હરાજીના સ્થળે આવેલ ગેરકાયદેસર લાકડાના ટ્રેક્ટર અને ઉંટગાડીવાળાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
આ દરોડા દરમ્યાન ટીમ દ્વારા સ્થળ પરથી પાંચ ટ્રેક્ટરમાં બીન પરવાનગીથી કાપેલ વૃક્ષોના લાકડા ભરેલા મળી આવ્યા હતા. ટીમ દ્વારા તપાસમાં પકડાયેલ પાંચ ટ્રેક્ટરોના ચાલક પાસેથી વૃક્ષછેદનના પરવાનગી અંગે પુરાવા માંગવામાં આવતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. જેથી આ તમામ ટ્રેક્ટરના ચાલકો સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદનની કલમ ૧૯૫૧ની કલમ (૩)નો ભંગ કરવા બદલ દંડ ફટાકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
તંત્ર દ્વારા દરોડા દરમ્યાન ઝડપી પાડવામાં આવેલ પાંચ ટ્રેક્ટરોમાં દિલીપભાઈ તળપદાના ટ્રેક્ટરમાંથી કણજીના લાકડા, હર્ષદભાઈ રબારીના ટ્રેક્ટરમાંથી ગોરસઆંબલીના ૪ ઝાડના ૧૫૦ મણ લાકડા, રાહુલભાઈ તળપદાના ટ્રેક્ટરમાંથી બાવળના ૧૩૧ મણ લાકડા, કાભઈભાઈ સોલંકીના ટ્રેક્ટરમાંથી દેશી સાદડના ૬ ઝાડના ૧૬૦ મણ લાકડા અને ભાનુભાઈ ચૌહાણના ટ્રેક્ટરમાંથી લીમડાના ૩ ઝાડના ૭૨ મણ લાકડા મળી આવતા તમામ વિરૃધ્ધ રૃા.૧૨૫૦૦નો દંડ ફટકાર્યો હતો.