ઉમરેઠમાં પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર મોબાઇલની દુકાનો તૂટી
- ૧૦૦ મીટર દૂર બે દુકાનોમાંથી લેપટોપ અને મોબાઇલની ચોરી થતા ફરિયાદ
આણંદ, તા.6 જુલાઈ 2020, સોમવાર
ખાખી વર્દીને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તેમ આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરના પોલીસ સ્ટેશનથી લગભગ ૧૦૦ મીટર વિસ્તારમાં આવેલ બે મોબાઈલની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા નગરમાં ખળભળાટી મચી જવા પામી છે.
તસ્કરોએ દુકાનમાંથી મોબાઈલ ફોન તથા લેપટોપ મળી લાખ્ખો રૃપિયાના માલસામાનની ઉઠાંતરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ અંગે ઉમરેઠ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગઈકાલ રાત્રિના સુમારે વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના ઉમરેઠ નગર ખાતે આવેલ રણછોડરાય શોપીંગ સેન્ટર તેમજ નગરપાલિકા શોપીંગ સેન્ટરમાં આવેલ બે અલગ-અલગ મોબાઈલની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ આ બંને દુકાનોના શટરના તાળા તોડી દુકાનમાં ઘુસી લેપટોપ તથા મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આજે સવારના સુમારે દુકાનના માલિકો દુકાન ખાતે પહોંચ્યા ત્યારે તેઓએ દુકાનના શટરના તાળા તુટેલા જોતા તેઓ ચોંકી ગયા હતા અને તુરંત જ ઉમરેઠ પોલીસને જાણ કરતા ઉમરેઠ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દરમ્યાન દુકાનની અંદર તપાસ કરતા દુકાનમાંથી મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું માલુમ પડતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.