મનન ચતુર્વેદી આણંદમાં સતત 24 કલાક સુધી કેનવાસ પર ચિત્રો બનાવશે
- 200થી વધુ નિરાધાર બાળકોનો આધાર
- 6 અને 7 માર્ચે સરદાર સ્ટેચ્યુ પાસે કાર્યક્રમ: બાળસંરક્ષણ આયોગનુ પદ છોડી અનાથ બાળકોને આશરો આપ્યો
આણંદ,તા.1 માર્ચ 2020 રવિવાર
વ્યક્તિ પોતાની કલા સાધના કેટલી ઉંચાઈ સુધી લઈ જઈ શકે તેનો ઉત્તમ નમૂનો એટલે જયપુર નિવાસી કલાકાર મનન ચતુર્વેદી યુવાનીમાં ફેશન ડીઝાઈનીંગનો કોર્ષ કરી તેણીએ જ્યારે જયપુર સ્થાયી થવાનું વિચાર્યું ત્યારે કદાચ તેને પોતાને પણ ખબર નહીં હોય કે પ્રકૃતિ તેમને તેવા ઉમદા કાર્ય તરફ લઈ જશે. કારકિર્દીની શરૂઆતે જ એક દિવસ બસ સ્ટેન્ડ પાસે એક નાની બાળકીને કચરાના ઢગલામાંથી શોધતી જોઈ મનનનું મન દ્રવી ઉઠયું અને શરૂ થઈ અનોખી સાધના.
એક સમયે રાજસ્થાન રાજ્ય સરકારના બાળ સંરક્ષણ આયોગનું મોભાદર અધ્યક્ષ પદ સંભાળનાર મનન ચતુર્વેદીએ લાખો રૂપિયાની નોકરી છોડી નિરાધાર બાળકોના આધાર બનવાનું નક્કી કરી લીધું. પોતાના ત્રણ બાળકો સાથે સમાજના નિરાધાર બાળકોને સાથે રાખી તેઓ સારી જીંદગી જીવે તે માટે પ્રયત્નો શરૂ કર્યા. મનને ચિત્રકલાનો સારો મહાવરો હસ્તગત કરેલ તેમાં પણ કેનવાસ ઉપર ફક્ત પોતાના હાથની આંગળીઓ વળે જ અદભુત ચિત્રો તૈયાર કરવાની અનોખી કલા હસ્તગત કરેલ. આવા ચિત્રો બનાવી તેના પ્રદર્શનો યોજી આવક ઉભી કરવા માંડી. જે આવકમાંથી પોતાની સાથે રહેતા ૧૬૦ કરતા વધુ બાળકોની તમામ વ્યવસ્થાઓ જેમ કે ખાવા, રહેવાનો, ભણતર, કપડાં વગેરેનો ખર્ચ ઉપાડવાનો ખર્ચ શરૂ કર્યો તથા પોતાની સાથે એક જ મકાનમાં રાખ્યા છે તથા માતા તરીકેની હૂંફ પુરી પાડી છે.
આજદિન સુધીમાં ૨૦૦ કરતાં વધુ નિરાધાર બાળકોને પુનસ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય તેણીએ કરેલું છે. તેણીની આંગળીઓરૂપી પીંછીઓના રંગથી બનેલા ચિત્રોની હરાજીમાંથી થતી આવકે સેંકડો બાળકોના જીવનમાં રંગો ભર્યા છે. તેણી માને છે કે આ કાર્ય માટે કોઈની પાસે હાથ નથી ફેલાવવા પણ પોતાના હાથના કસબથી આવક ઉભી કરી બાળકોનું જીવન ઉજાગર કરવું છે. દેશભરમાં અનેક પ્રસંગોએ ૨૪, ૩૬ કે વિશ્વ વિક્રમી સમય એટલે કે ૭૪ કલાક સુધી સતત ઉભા ઉભા ફક્ત પોતાની આંગળીઓથી કેનવાસ ઉપર અદભુત ચિત્રો બનાવતા તેમને જોવા તે એક અપૂર્વ લ્હાવો છે. સાથે સાથે તેની પાછળની ઉમદા ભાવનાને તે ઉમદા કાર્યને વધાવવું એ પણ એક સામાજીક જવાબદારી બને છે.
રાષ્ટ્રીય યુવા પુરસ્કાર, રાજસ્થાન ડાયમંડ પુરસ્કાર અને ગુજરાતમાં મધર ઓફ ઈન્ડિયા જેવા ખિતાબથી સન્માનિત મનન ચતુર્વેદી આણંદ જિલ્લાના આંગણે પધારી રહ્યા છે તે દરમિયાન તેઓ પોતાની આંગળીઓ દ્વારા ચિત્રો બનાવશે. કોઈક નિરાધાર બાળકોને નવજીવન બક્ષતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તથા ચિત્રો ખરીદી તેમના ઉમદા કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કરાયો હતો. આણંદ ખાતે તેઓ તા.૬ અને ૭ માર્ચના રોજ ટાઉનહોલની સામે, હોટલ લક્ષની બાજુમાં આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સતત ૨૪ કલાક સુધી ચિત્રો બનાવી તેનું પ્રદર્શન યોજાનાર છે.