Get The App

કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીની જાહેર નોટિસને લઇને અનેક તર્ક-વિતર્ક

- રાજકીય નેતાનો પારિવારિક ઝઘડો જાહેરમાં આવ્યો

- કોંગી આગેવાને પત્ની સાથેના અણબનાવની નોટિસ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો

Updated: Jul 13th, 2021

GS TEAM

Google News
Google News
કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીની જાહેર નોટિસને લઇને અનેક તર્ક-વિતર્ક 1 - image


આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ મંગળવારે પોતાના પત્ની રેશ્મા પટેલ વિરૂધ્ધ જાહેર નોટિસ આપતા ઘરકંકાસનો મામલો ઉજાગર થવા પામ્યો છે. પોતાના વકીલ મારફતે ભરતસિંહ સોલંકીએ આપેલ નોટિસમાં જણાવ્યા મુજબ પત્ની સાથે કોઈએ નાણાંકીય લેવડ-દેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દ્વારા આ પ્રકારની જાહેર નોટિસ ઈસ્યુ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફતે મંગળવારે વિવિધ અખબારોમાં જાહેર નોટિસ આપતા જણાવ્યું હતું કે, તેમના પત્ની રેશ્મા પટેલ છેલ્લા ચારેક વર્ષ ઉપરાંતથી તેમની સાથે રહેતા નથી અને અલગ રહી મનસ્વી રીતે વર્તન કરે છે. જેથી કોઈપણ વ્યક્તિએ તેઓના પત્ની સાથે તેઓના નામે નાણાંકીય તેમજ કોઈપણ પ્રકારનો લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં. જો આમ થશે તો ભરતસિંહ સોલંકી એ માટે જવાબદાર રહેશે નહી તેવી જાહેર નોટિસ પાઠવવામાં આવતા કોંગ્રેસના મોભીના ઘરકંકાસનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

આ અંગે ભરતભાઈ સોલંકીનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેઓના ફોનની રીંગ સતત રણકતી રહી હતી જ્યારે તેઓના વકીલનો સંપર્ક કરી પૃચ્છા કરતા વકીલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી નોટીસમાં જણાવ્યા મુજબનું પત્નીનું વર્તન છે. રાજકીય વર્ચસ્વ ધરાવતા હોઈ ભરતભાઈના નામનો દુરઉપયોગ ન થાય તે જરૂરી હતું. કારણ અંગે વધુ પુછપરછ કરતા તેઓની ફેમીલી મેટર હોઈ ભરતભાઈને પુછવા જણાવ્યું હતું.

Tags :