આણંદના કાસોરમાં અજાણ્યા વાહનની ટક્કરે ઈજાગ્રસ્ત શખ્સનું સારવારમાં મોત
આણંદ, તા.27 મે 2020, બુધવાર
આણંદ તાલુકાના કાસોર ગામે દરવાજા ફળીયામાં રહેતા હાર્દિકકુમાર સૂર્યકાન્ત પટેલ (ઉં.વ.૩૪) મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે નોકરી કરતા હતા. બે દિવસ પૂર્વે સાંજના સુમારે તેઓ પોતાનું ટુવ્હીલર લઈને કાસોર ગામના શિવનગર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.
દરમ્યાન પુરપાટ ઝડપે આવી ચઢેલ કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી ટુવ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટક્કર વાગતા ટુવ્હીલર ઉપર સવાર હાર્દિકભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને લઈને આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ સેવા મારફતે ગંભીર રીતે ઘવાયેલ હાર્દિકભાઈને તુરંત જ સારવાર અર્થે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું કરૃણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જયેશભાઈ કનુભાઈ પટેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.