ખંભાતમાં પૈસાની લેતી-દેતી બાબતે છરીથી હુમલો, 4 શખ્સો સામે ફરિયાદ


- દિવાળીમાં ખરીદેલા કપડાની ઉઘરાણીને લઇને મામલો બિચક્યો

- ઇજાગ્રસ્તને ખંભાત બાદ કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

આણંદ : ખંભાત શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક શખ્સે ગત સોમવાર રાત્રિના સુમારે પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો કરી અન્ય શખ્સ ઉપર છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખંભાતના સાજણભાઈ પુનમભાઈ ચુનારા સોમવાર રાત્રિના સુમારે પોતાના મામાના દિકરા સહિત અન્ય વ્યક્તિઓ સાથે ખંભાતના બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલ એક ખાણી-પીણીની લારી નજીક ઉભા હતા.

 દરમ્યાન પાર્થ વિજયભાઈ રાવળ, સુજલ અનિલભાઈ રાવળ, દેવાનંદ ઉર્ફે વિજયભાઈ રાવળ અને વિરેન પંચમભાઈ કુશવાહ ત્યાં આવી ચડયા હતા. જ્યાં પાર્થ રાવળે ચિરાગ પાસે આવીને તું દિવાળી ઉપર મારી દુકાનેથી કપડાં લઈ ગયો હતો તેના બાકીના નાણાં કેમ આપતો નથી તેમ જણાવતા ચિરાગે હાલમાં મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી, પૈસા આવશે એટલે આપી દઈશ તેમ કહેતા ઝઘડો થયો હતો. 

દરમ્યાન સાજણભાઈ આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા ઉશ્કેરાઈ ગયેલ પાર્થ રાવળે પોતાની પાસેની છરી કાઢી સાજણભાઈને છાતી તથા હાથના ભાગે મારી દેતા તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. અન્ય ત્રણ શખ્સોએ પણ તેઓને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન ત્યાં હાજર અન્ય વ્યક્તિઓએ વચ્ચે પડી સાજણભાઈને છોડાવ્યા હતા. 

બાદમાં ગંભીર રીતે ઘવાયેલ સાજણભાઈને તુરત જ સારવાર અર્થે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS