આણંદ ફૂડ કંપનીમાં આઈટીની તપાસ : 1 કરોડથી વધુ ટેક્ષ વસૂલાયો
- વડોદરા ડિવિઝનના આવકવેરા વિભાગની ટીમોએ આણંદમાં ધામા નાખતા મોટી કંપનીઓમાં ફફડાટ અને દોડધામ
આણંદ, તા.14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
ગુરૂવારે વડોદરા ડિવિઝનના આવકવેરા ખાતાની ટીમે આણંદમાં ઠેરઠેર તપાસ હાથ ધરી. એક કપંનીમાંથી બેનામ આર્થિક વ્યવહારોને લગતા દસ્તાવેજો જપ્ત કર્યા હતા જ્યારે એક ફૂડ કંપનીમાં પણ સર્વે કામગીરી શરૂ કરી હતી.
દરમ્યાન શુક્રવારે લાંભવેલ સ્થિત એક ફૂડ કંપનીમાં સર્વે કામગીરી પુરી કરી દસ્તાવેજોની ચકાસણી કરતા ટેક્ષની આકરણીની તફાવતની રકમ પેટે કંપની પાસેથી રૂ ૧ કરોડથી વધુ રકમનો ટેક્ષ વસુલ કરવામાં આવ્યો હતો.
આઈટીના ઓચિંતા દરોડાથી આણંદ-વિદ્યાનગરની કંપનીઆમાં ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. હજુ પણ વડોદરા આઈટીની ટીમોની ખાનગી તપાસ ચાલુ હોવાથી વધુ કંપનીઓના ગેરકાયદે આર્થિક વહેવારો અને મોટી રકમની ટેક્સ ચોરી પકડાશે એવી વ્યાપક ચર્ચાઓ અત્યારે આણંદ-વિદ્યાનગરમાં જોરશોરથી ચાલી રહી છે.