પેટલાદના પાલજના હોળી ચકલા વિસ્તારનો બનાવ
- પત્નીનો હાથ પકડયા અંગેનો વહેમ રાખીને યુવકનું ગળું દબાવી હત્યા
- મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે હત્યારા યુવક સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી
આણંદ, તા.29 જુલાઈ 2020, બુધવાર
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામે હોળી ચકલા વિસ્તારમાં આવેલ કાનજી ફળીયા ખાતે ગઈકાલ રાત્રિના સુમારે પત્નીનો હાથ પકડયા અંગે વહેમ રાખી ગામના જ એક યુવકે ફળીયામાં રહેતા ૩૦ વર્ષીય યુવકનું ગળુ દબાવી હત્યા કરી નાખતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે હત્યા કરનાર શખ્શ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ પેટલાદ તાલુકાના પાળજ ગામે હોળી ચકલા વિસ્તારમાં આવેલ કાનજી ફળીયા ખાતે રાવજીભાઈ ઉર્ફે બાબુ ઝેણાભાઈ પરમાર પત્ની મંજુલાબેન તથા બે બાળકો સાથે રહેતા હતા. રાવજીભાઈ ઉર્ફે બાબુ તથા તેમની પત્નીએ ચાલુ વર્ષે દશામાંનું વ્રત રાખેલ હોઈ અને પાડોશીને ત્યાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી હોઈ ગઈકાલ રાત્રિના સુમારે આરતી બાદ રાવજીભાઈ તથા તેમના પત્ની મંજુલાબેન પાડોશીને ત્યાં બેસવા માટે ગયા હતા. દરમ્યાન રાવજીભાઈ ઉર્ફે બાબુ નજીકમાં રહેતા અન્ય એક વ્યક્તિના ઘરની બહાર ઓટલા ઉપર બેઠા હતા ત્યારે રાત્રિના લગભગ ૧૧ઃ૩૦ કલાકના આસપાસના સુમારે ગામમાં જ રહેતો ચંદ્રકાન્ત પસાભાઈ પરમાર ત્યાં આવી ચઢ્યો હતો અને રાવજીભાઈ ઉર્ફે બાબુએ તેની પત્નીનો હાથ પકડયો હોવાનો વહેમ રાખી રાવજીભાઈને અપશબ્દો બોલી તેઓનું ગળુ દબાવી દીધું હતું. દરમ્યાન રાવજીભાઈએ બચાવો... બચાવો...ની બુમો પાડતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાવજીભાઈને ચંદ્રકાન્તભાઈની પક્કડમાંથી છોડાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ચંદ્રકાન્તે બળ વાપરી ગળુ પકડી રાખી અગાઉ પણ મારી પત્નીનો હાથ પકડયો હતો ત્યારે બચી ગયો હતો આજે તને છોડવાનો નથી તેમ કહી જોરથી ગળુ દબાવી દેતા રાવજીભાઈ ઉર્ફે બાબુનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૃ ઉડી ગયું હતું. હત્યા કર્યા બાદ ચંદ્રકાન્ત પરમાર ઘટના સ્થળેથી નાસી છુટયો હતો. મોડી રાત્રે બનેલ આ બનાવે નાનકડા ગામમાં ભારે ચકચાર જગાવી હતી. આ અંગે મૃતકના પત્નીએ પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચંદ્રકાન્ત પસાભાઈ પરમાર (રહે.પાળજ) વિરૃધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.