ઉમરેઠમાં તલવાર-લાકડીઓ લઇ ટોળું રોડ પર ઉતરી આવ્યું
- સગીર યુવતીઓની છેડતીના મામલે તંગદિલી
- પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ
ઉમરેઠ નગરના ઓડ બજાર વિસ્તારમાં ગત શનિવાર રાત્રીના સુમારે બે સગીરા ટહેલવા નીકળી હતી. દરમ્યાન ઉમરેઠના માર્કેટ યાર્ડ નજીક એકાંત વિસ્તારમાં બે વિધર્મી યુવકોએ આ સગીરાઓની છેડતી કરી હતી અને ધમકી આપતા આસપાસના સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા. જેથી છેડતી કરનાર શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ અંગે બાદમાં સગીરાઓ તથા પરિવારજનો દ્વારા ઉમરેઠ પોલીસ મથકમાં રજૂઆત પણ કરાઈ હતી. દરમ્યાન ગઈકાલ રાત્રીના ઉમરેઠના વાંટા વિસ્તારમાં રહેતો હીર પિન્ટુભાઈ પટેલ તથા તેના મિત્રો રેલવે સ્ટેશન રોડ પર આવેલ ચંદ્રમૂળેશ્વર મહાદેવ નજીકથી છેડતી અંગેની વાતચીત કરતા પસાર થઈ રહ્યા હતા ત્યારે છેડતી કરનાર યુવકોએ વાત સાંભળતા અન્ય સાથીદારોને બોલાવી હીર તથા તેના મિત્રો સાથે બોલાચાલી કરી હતી. બાદમાં રાત્રીના સુમારે રેલવે સ્ટેશન રોડ ઉપર તલવાર તથા લાકડીઓ સાથે દોડાદોડ કરી આતંક મચાવતા ઉમરેઠ પંથકમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે હીર પિન્ટુભાઈ પટેલની ફરિયાદના આધારે પંદરથી વીસ વ્યક્તિઓના ટોળાં વિરુધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલ રાત્રીના સુમારે ઉમરેઠના ચંદ્રમૂળેશ્વર મહાદેવથી રેલવે સ્ટેશન રોડ તરફ લઘુમતી કોમના ટોળાંએ લાકડીઓથી સજ્જ થઈ દોડાદોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ જ સમયે દરજીવાડના નાકાથી સ્ટેશન સુધીની સ્ટ્રીટ લાઈટો અચાનક બંધ થઈ ગઈ હતી. જેને લઈ આ વિસ્તારમાં તરેહતરેહ પ્રકારના તર્કવિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. પાલિકાની દીવાબત્તી કમિટીનો સંપર્ક કરતા ટેકનીકલ સમસ્યાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાનું જણાવાયું હતું.
જો કે ખરેખર ટેકનીકલ સમસ્યાથી વીજ પુરવઠો ખોરવાયો કે પછી જાણીબુઝીને લાઈટ બંધ કરવામાં આવી તે વિષય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.