Get The App

આણંદ જિલ્લાના બજારોમાં રાખડીની ખરીદીમાં છેલ્લી ઘડીએ તેજીનો તોખાર

- તહેવાર આડા ગણતરીના દિવસો બાકી

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લાના બજારોમાં રાખડીની ખરીદીમાં છેલ્લી ઘડીએ તેજીનો તોખાર 1 - image


- ભાવમાં ઘટાડો છતાં ગત વર્ષની તુલનાએ ખરીદી ઓછી : કોરોના અને ભાવ વધારાથી સોના-ચાંદીની રાખડીની ખરીદીમાં ઓટ

આણંદ,તા. 30 જુલાઈ 2020, ગુરુવાર

ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકસમા પર્વ રક્ષાબંધનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરના બજારોમાં રાખડીઓનું વેચાણ કરતા વેપારીઓએ ડેરા-તંબુ બાંધી વિવિધ વેરાઈટીની રાખડીઓનું વેચાણ શરૂ કરી દીધું છે. 

હાલ ચાલી રહેલા કોરોનાની મહામારીને લઈ બજારમાં ધીમા ડગલે રાખડીઓની ખરીદી શરૂ થઈ ગઈ છે અને બહારગામ તેમજ વિદેશમાં વસતા ભાઈઓને રાખડીઓ સમયસર મળી રહે તે માટે બહેનોએ રાખડીની ખરીદી કરી પોસ્ટ કે કુરીયર મારફતે રાખડીઓ રવાના કરી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

''ભૈયા મેરે રાખી કે  બંધન કો નિભાના''... ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વની ઉજવણી માટે બહેનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથ ઉપર રક્ષા બાંધી ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરી તેણીની રક્ષા કરવાનું વચન માંગે છે. હાલ રક્ષાબંધન પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરના બજારમાં ગ્રાહકોની ચહલ-પહલ વધી ગઈ છે. વેપારીઓ દ્વારા વિવિધ વેરાઈટીની રાખડીઓનું વેચાણ શરૂ કરી દેવાયું છે. જો કે કેટલાક ભાઈઓ બહારગામ કે પરદેશ વસતા હોઈ બહેનો દ્વારા અગાઉથી રાખડીઓની ખરીદી કરી ભાઈને રાખડી સમયસર મળી રહે તે માટે પોસ્ટ કે કુરીયર મારફતે રાખડીઓ મોકલાવી દીધી છે. હાલ બજારમાં રૂા.૧૦ થી માંડી રૂા.૨૫૦ સુધીની વિવિધ વેરાઈટીની રાખડીઓ ઉપલબ્ધ છે. જો કે કેટલાક શ્રીમંત પરિવારોમાં બહેન ભાઈને સોના કે ચાંદીની રાખડી બાંધતી હોઈ અગાઉથી જ જ્વેલર્સમાં રાખડીના ઓર્ડર આપી દેવામાં આવતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોનાની ઈફેક્ટ તેમજ સોનાના ઉંચા ભાવને લઈ ખરીદીમાં ઓટ આવી હોવાનું જ્વેલર્સના સંચાલકો જણાવી રહ્યા છે.

ચાલુ વર્ષે બજારમાં રેશમી, રૂદ્રાક્ષ, એડીવાળી, ડેડીકેટ સહિત વિવિધ પ્રકારના કાર્ટુન જેવા કે ડોરેમોન, છોટાભીમ, સ્પાયડરમેન, મોટુ-પતલુ જેવી રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે. કાર્ટુનવાળી રાખડીઓએ બાળકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. આવી કાર્ટુનવાળી રાખડીઓ હાલ બજારમાં રૂા.૫ થી રૂા.૧૦૦ સુધીમાં વેચાઈ રહી છે. જો કે ચાલુ વર્ષે રાખડીઓના ભાવમાં કોઈ જ ભાવવધારો થયો ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પરંતુ કોરોના ઈફેક્ટને લઈને ઘરાકી ઉપર અસર થઈ છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘરાકી ઉપર ૫૦ ટકાનો ઘટાડો આવ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

Tags :