આણંદના નાપાડવાંટા ગામની બેંકમાં 3 હોમગાર્ડ પર 2 શખ્સોનો હુમલો
- કોરના વોરિયર્સની સુરક્ષા સામે સવાલ
- બેંકમાં કામકાજ બંધ થયું હોવા છતાં ગામના બે શખ્સોએ આવી માથાકૂટ કરી લાકડાના ડંડાથી જવાબને ફટકાર્યા
આણંદ, તા.29 એપ્રિલ 2020, બુધવાર
આણંદ તાલુકાના નાપાડ ગામે આવેલ એક બેંક ખાતે કોરોના વાયરસ સંક્રમણને લઈ ફરજ બજાવી રહેલ હોમગાર્ડના ત્રણ જવાનો ઉપર નાપાડ વાંટાના બે શખ્શોએ અચાનક હુમલો કરી માર મારતા આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવા પામી છે. હોમગાર્ડ જવાનો ઉપર હુમલો કરનાર ત્રણ શખ્શો સામે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતા વિપુલભાઈ પુનમભાઈ સોલંકી પોતાના સાથી હોમગાર્ડ જવાનો સાથે આણંદ તાલુકાના નાપાડ ગામે આવેલ બેંક ઓફ ઈન્ડિયા ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા. દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના સુમારે બેંકના કામકાજનો સમય બંધ થયો હતો ત્યારે આણંદ તાલુકાના નાપાડ વાંટા ગામે રહેતા રણજીતખાન ઈન્દુભા રાઠોડ બેંક ખાતે આવી ચઢ્યા હતા. જેથી વિપુલભાઈએ બેંક બંધ થઈ ગઈ છે, હવે કાલે આવજો તેમ જણાવતા રણજીતખાન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં રણજીતખાન ત્યાંથી ચાલ્યા ગયા હતા. જો કે થોડીવારમાં જેનુલ રાઠોડ તથા આશીફખાન ઉર્ફે બોખો સાથે તેઓ લાકડાના ડંડા લઈને બેંક ખાતે આવી ચઢ્યા હતા અને વિપુલભાઈ સહિતના અન્ય બે હોમગાર્ડના જવાનો ઉપર હુમલો કરી લાકડાના ડંડાથી માર માર્યો હતો.
દરમ્યાન ભુપેન્દ્રભાઈને બરડા તેમજ છાતીના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે વિપુલભાઈ પુનમભાઈ સોલંકીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રણજીતખાન ઈન્દુભા રાઠોડ, જેનુલ રણજીતખાન રાઠોડ અને આશીફખાન ટીનાભાઈ ઉર્ફે બોખો (તમામ રહે.નાપાડ વાંટા) વિરૃધ્ધ ગુનો નોંધી રણજીતખાન રાઠોડને ઝડપી પાડી ફરાર અન્ય બે શખ્શોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.