મોગર ગામે વીજળી ડુલ થતા સરપંચ સહિત સાત શખ્સોએ વીજકર્મીને માર્યો
- વીજકર્મીને અપશબ્દો બોલી લાફા ઝીંક્યા હતા
- 2 દિવસ પહેલાનો બનાવ : વાસદ પોલીસે સરપંચ સહિત 7 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આણંદ, તા.17 જુલાઈ 2020, શુક્રવાર
આણંદ પાસેના મોગર ગામે બે દિવસ પૂર્વે રાત્રિના સુમારે વીજળી ડુલ થઈ જવા બાબતે ગામના સરપંચ સહિત સાત શખ્શોએ સબ સ્ટેશન ખાતે પહોંચી જીઈબીના કર્મચારીને ગમે તેમ અપશબ્દો બોલી માર માર્યો હોવા અંગે વાસદ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવા પામી છે. આ બનાવ અંગે વાસદ પોલીસે મોગર ગામના સરપંચ સહિત સાત શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.૧૫ જુલાઈના રોજ રાત્રિના સુમારે મોગર ગામમાં વીજળી ડુલ થઈ જવા પામી હતી. લાંબો સમય વીજળી ડુલ રહેતા ગામના સરપંચ રાજુભાઈ સહિતના શખ્શો મોગર સબ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ ઉપર હાજર વીજ કંપનીના કર્મચારી સાથે અસભ્ય વર્તન કરી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન અન્ય એક કર્મચારી પણ આ તકરારમાં વચ્ચે પડતા મોગરના સરપંચ રાજુભાઈએ તેને પણ લાફા ઝીંકી દીધા હતા. આ બનાવ અંગે અશ્વિનકુમાર ડાહ્યાભાઈ ભટ્ટે વાસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોગરના સરપંચ રાજુભાઈ, બીજરાજસિંહ કિરીટસિંહ મહીડા, હરપાલસિંહ રામસિંહ મહીડા, ધનરાજસિંહ ભરતસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ મહીડા, સત્યેન્દ્રસિંહ કિરીટસિંહ મહીડા અને વિશ્વજીત રાજેન્દ્રસિંહ ઝાલા (તમામ રહે.મોગર) વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.