ખંભાતમાં પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ
- કોમી તોફાનોના પગલે સ્થાનિક પદાધિકારીઓની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા અશાંતધારાનો અમલ કરવા નિર્ણય લેવાયો
- હવેથી ધારો લાગુ હોય તે વિસ્તારમાં કોઇ પણ સ્થાવર સંપત્તિને ટ્રાન્સફર કરતા પહેલાં કલેક્ટરની અનુમતી ફરજિયાત
અમદાવાદ, તા.26 ફેબ્રુઆરી 2020, બુધવાર
આણંદ જિલ્લાના ખંભાત ખાતે ૨૩મી ફેબુ્રઆરીએ બે જુથ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં સામ સામે પથ્થરમારો અને આગજનીની ઘટનાઓ બનતા દિલ્હીની જેમ દેશભરમાં ખંભાતની આ હિંસાએ પણ ચર્ચા જગાવી હતી. જોકે બાદમાં આ તોફાનોને કાબુમા લઇ લેવાયા છે. પણ ફરી કોઇ અજંપા ભરી સ્થિતિ ઉભી ન થાય તે હેતુથી કેટલાક પ્રતિબંધો લાદી દેવાયા છે. હાલ ખંભાત શહેર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.
સ્થાનિકોની માગને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાનના આદેશ બાદ ખંભાતમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં હિંસાની નાની મોટી ઘટનાઓ સામે આવી ચુકી છે જેને પગલે સ્થાનિકો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની રજુઆતો સરકાર સમક્ષ થઇ રહી હતી. આ રજુઆતોને ધ્યાનમાં રાખીને અને હિંસાને આગળ વધતી અટકાવવા માટે અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. આ અશાંત ધારો ૨૬મી ફેબુ્રઆરી, ૨૦૨૦થી લાગુ કરી દેવામાં આવ્યો છે જે આગામી ૨૫મી ફેબુ્રઆરી ૨૦૨૫ એટલે કે પાંચ વર્ષ સુધી લાગુ રહેશે. જે વિસ્તારને આ ધારો લાગુ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે ત્યાં હિંસાનો ઇતિહાસ રહ્યો છે. જેને પગલે આ આદેશ જાહેર કરાયા છે.
અશાંત ધારો લાગુ થઇ ગયાને પગલે હવેથી આ વિસ્તારમાં કોઇ પણ સ્થાવર સંપત્તિને ટ્રાન્સફર કરતા પહેલા આણંદ જિલ્લાના કલેક્ટરની અનુમતી લેવી પડશે. અને જો કોઇ વ્યક્તિ આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કલેક્ટરની અનુમતી વગર આવી કોઇ સંપત્તિ ટ્રાન્સફર કરશે તો પણ તેનો અમલ થયો નહીં ગણાય.
આ કાયદાને ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમોવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનાન્ટ્સ ફ્રોમ એવિક્શન પ્રિમાઇસીસ એરિયા એક્ટ, ૧૯૯૧ તરીકે ઓળખવામાં આવે છે. સરકારના સરવે અને રિપોર્ટને ધ્યાનમાં રાખીને આ કાયદાને લાગુ કરવા માટે ચોક્કસ વિસ્તારોને પસંદ કરવામાં આવ્યા છે. જ્યાં ૨૬મી તારીખથી આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે.
ખંભાત શહેરના કયા કયા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ
* ત્રણ દરવાજા * લાલ મહેલ * પિંજર કોટ * ગીમતી * કાજીવાડ * દાદી બા * પોમલા વાડ * પારસી વાડો * નાનો ચોરાવાડો * સાગોતા પાડો * દાંતાર વાડો * શેરડીવાળાની પોળ * દારૂવાલાની ખડકી * નાનો- મોટો કુંભારવાડો * પાન પોળ * બદમિયાની પોળ * પીરાજપુર * અંબા માતાની ખડકી * કસાઈ વાડ * મોહનપુરા * શેખવાડી * ભાવસાર વાડ * જૂની મંડળી * પીપળા શેરી * પટેલની શેરી * અંધારી શેરી * ધુ્રવની પોળ * માંડવીની પોળ * નિકારતની પોળ * સોની વાડો * રાધા-કૃષ્ણની પોળ * સાલવા પીઠો * કુંભારવાડો * અલી પાડો * કોઠી પાડો * પાવર હાઉસ રોડ * રાણા ચકલા * ખાડિયા પોળ મંદાઈકાડા કોટડી * મીરકોઈ વાડો * લોકાપરી * વહોરાવાડ નાકું * આડી ડાગરા પોળ * આંબલી ફળિયું * અકબરપુર, નાની ચુનારવાડ, મોટી ચુનારવાડ * બાવા બાઝીસ * લીંમડા શેરી * અકોપરા * પ્રજાપતિ વાસ * જગન્નાથ મહાદેવની ચાલી * આડી ખાચિયા પોળ * ભટ્ટની શેરી * ભૈરવનાથ વાવ * બસ સ્ટેશનથી રેલ્વે ફાટક * પ્રેસ રોડ * ધોકાલ કુઈ * શિવમ સોસાયટી, ગ્રીનવીલા * દીપ પ્રકાશ * દીપ દર્શન * એમ.ટી. હાઇસ્કૂલ, સાલવા * હુસૈની પાર્ક * જહાંગીરપુરા * પીઠ પોસ્ટ ઓફિસ * બોર પીપળો * બહુચરાજીની પોળ * જીરાલા પાડો મોટો ચોરાવાડો * દાદા સાહેબની પોળ * લાંબી ઓટીથી નગરવાડો * રંગરેઝની આંબલી * મોચી વાડ રોડ * કોઠિયાવાડ * અંબિકાનગર * વાઇનો પાડો * શ્રીનાથજી મંદિર * માણેક ચોક * ગુજરવાડો * કાંચીયા પોળ * પ્રજાપતિ વાસ, ખારોપાટ * નવી ખડકી સહિતના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો છે.
ત્રણ દિવસ બાદ બજારો અને શાળા-કોલેજો ખુલી
નવાબી નગર ખંભાત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ કોમી તોફાનોમાં ગઈકાલે મંગળવારના રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં રાજ્ય ગૃહમંત્રીએ તાત્કાલિક આણંદના એસ.પી. તેમજ ખંભાતના ડી.વાય.એસ.પી. તેમજ ખંભાતના પી.આઈ.ની બદલી કરી નવા ઉચ્ચઅધિકારીઓની નિમણુંક કરાતા તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ રેપીડ એક્શન ફોર્સ સાથે સંકલન કરી ખંભાત શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ સઘન બનાવી કડક કાર્યવાહી હાથ ધરતા બુધવારના રોજ પરિસ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી હોય તેમ કેટલાક વિસ્તારોમાં બજારો ખુલવા પામ્યા હતા. ખંભાત શહેરની શાળા-કોલેજો પણ ખુલી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ તોફાનોને લઈને શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
બીજી તરફ ગઈકાલ રાત્રિના સુમારે ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ ખંભાત ખાતે મોરચો સંભાળતા આજરોજ ખંભાત શહેરમાં શાંતિ જોવા મળી હતી.