Get The App

ખંભાતમાં 65 વ્યક્તિઓને એક જ હોલમાં ક્વૉરન્ટાઈન કરાતા તંત્રની પોલ ખુલી

- કોરોનાને રોકવા સોશિયલ ડિસ્ટન્સ એક માત્ર વિકલ્પ છે ત્યારે

- હોલમાં રખાયેલા લોકોએ પડતી હાલાકીનો વિડીયો ઉતારી સોશિયલ મિડીયામાં વાઇરલ કરતા અનેક સવાલો ઉઠયા

Updated: May 1st, 2020

GS TEAM

Google News
Google News
ખંભાતમાં 65 વ્યક્તિઓને એક જ હોલમાં ક્વૉરન્ટાઈન કરાતા તંત્રની પોલ ખુલી 1 - image


આણંદ,તા.30 એપ્રિલ 2020, ગુરુવાર

આણંદ જિલ્લાના ખંભાતને કોરોના વાયરસે ભરડામાં લીધું છે ત્યારે ખંભાત ખાતે કોરોન્ટાઈન કરાયેલ ૬૫ વ્યક્તિઓને એક જ હોલમાં રાખવામાં આવતા આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. કોરોન્ટાઈન કરાયેલ લોકો દ્વારા હોલની અંદરનો વિડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં વાયરલ કરવામાં આવતા સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે ખંભાતમાં કોરોનાના વધુ કેસ પ્રકાશમાં આવશે તો તેની જવાબદારી કોના શિરે ? તે અંગે જાગૃતોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

વધુમાં મળતી વિગત મુજબ આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૫થી વધુ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. જે પૈકી ૭૫ ટકાથી વધુ કેસો માત્ર ખંભાત ખાતેથી જ પ્રકાશમાં આવ્યા છે. તેમાંય છેલ્લા બે દિવસથી ખંભાતમાં કોરોના વિસ્ફોટ થતાં તંત્રની ઉંઘ ઉડી જવા પામી છે. આણંદ જિલ્લાનું ખંભાત શહેર સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત થતા આરોગ્ય વિભાગ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. 

જે અંતર્ગત કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ખંભાત ખાતેથી ૬૫ જેટલા વ્યક્તિઓને કોરોન્ટાઈન કરી એક જ હોલમાં એકસાથે રાખવામાં આવ્યા હોવાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરસ થતા આરોગ્ય વિભાગની પોલ ખુલવા પામી છે. મહિલાઓ તથા બાળકો સહિતના વ્યક્તિઓને એક જ છત નીચે કોરોન્ટાઈન કરવામાં આવતા સોશ્યલ ડીસ્ટન્સીંગના લીરેલીરાં ઉડી રહ્યા હોવાનું વિડીયોમાં જણાઈ રહ્યું છે.

કોરોન્ટાઈન કરાયેલ વ્યક્તિઓ દ્વારા જ હોલની અંદરની પરિસ્થિતિની સત્યતા બહાર લાવવા માટે આ વિડીયો વાયરલ કરાયા હોવાનું જાણવા મળેલ છે. સાથે સાથે કોરોન્ટાઈલ કરાયેલ વ્યક્તિઓને તંત્ર દ્વારા કોઈપણ સુવિધાઓ આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. કોરોન્ટાઈલ કરાયેલ વ્યક્તિઓમાં મહિલાઓ સહિત બાળકોનો પણ સમાવેશ થાય છે ત્યારે એક તરફ ખંભાતમાં કોરોનાને લઈને ગંભીર પરિસ્થિતિ છે અને જો આ પરિસ્થિતિમાં કોરોન્ટાઈલ કરાયેલ વ્યક્તિઓમાં કોરોના સંક્રમણ વધશે તો તેના માટે જવાબદાર કોણ ? તે પ્રશ્ન જાગૃતોમાં ચર્ચાની એરણે ચઢ્યો છે.

Tags :