Get The App

લોકડાઉનની સ્થિતિમાં આણંદની ઝાયડસ હોસ્પિટલને આઈસોલેટ કરવાનો તંત્રનો નિર્ણય

- તંત્રના નિર્ણયથી હોસ્પિટલમાં અન્ય સેવા ખોરવાશે

- કોરોનાની મહામારીમાં અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં અન્ય સેવા ચાલુ રાખવા રજૂઆત કરાઈ

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનની સ્થિતિમાં આણંદની ઝાયડસ હોસ્પિટલને આઈસોલેટ કરવાનો તંત્રનો નિર્ણય 1 - image


આણંદ,તા.5 એપ્રિલ 2020, રવિવાર

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીને નાથવા માટે લડત આપી રહ્યું છે ત્યારે ભારત દેશમાં પણ આગામી તા.૧૪મી એપ્રિલ, ૨૦૨૦ સુધી વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ સમયગાળા દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝીટીવ ન હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને તંત્ર દ્વારા આણંદની ઝાયડસ હોસ્પિટલને કોવીડ-૧૯ અંતર્ગત આઈસોલેટ કરવાનો નિર્ણય કરાયો છે. 

જો કે વહીવટી તંત્રના આ નિર્ણયને લઈ મલ્ટી સ્પેશ્યાલીટી અંતર્ગત ચાલતી ઝાયડસ હોસ્પિટલની અન્ય સેવાઓ ખોરવાતા આણંદ જિલ્લાના તબીબો તેમજ જાગૃતો દર્દીઓમાં આશ્ચર્યની લાગણી સાથે અનેક તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે.  જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા આણંદના હાર્દસમા વિસ્તારમાં મલ્ટી સ્પેશ્યાલીટી ધરાવતી અત્યાધુનિક અને ગંભીર બિમારીઓની સારવાર આપી શકે તેવી ઝાયડસ હોસ્પિટલને કોવીડ-૧૯ અંતર્ગત આઈસોલેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ગત શનિવારના રોજ હોસ્પિટલને આઈસોલેટ કરવાનો નિર્ણય લેવાતા હોસ્પિટલ સ્ટાફ સહિત આઈએમએના ર્ડાક્ટરોમાં પણ આશ્ચર્યની સાથે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે. 


આ અંગે હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ શનિવારના રોજથી ઝાયડસ હોસ્પિટલને આઈસોલેટ કરવામાં આવતા હોસ્પિટલ ખાતે આવતા ગંભીર બિમારીઓના દર્દીઓ જેવા હ્યદયરોગનો હુમલો, મલ્ટી ઓર્ગોન ફેલીયર, કાર્ડીયાકની ઈમરજન્સી પ્રોસીઝર જેવી કે એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી સાથે સાથે કાયમી કીડની ખલાસ થઈ ગયેલ હોય તેવા દર્દીઓને ડાયાલીસીસની જરૂર હોઈ તેવા દર્દીઓને અત્રેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત પણ આ હોસ્પિટલમાં ગંભીર બિમારીઓના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અચાનક આવી પડેલી કોવીડ-૧૯ની મહામારીને લઈ આણંદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાતે અલાયદો વોર્ડ પણ બનાવાયો છે.

શનિવાર રાત્રિના સુમારે અચાનક જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ આ મલ્ટીસ્પેશ્યલ ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને રાત્રિના સુમારે સમગ્ર હોસ્પિટલને કોવીડ-૧૯ અંતર્ગત આઈસોલેટ કરવાનો આદેશ કરતા હોસ્પિટલ સંચાલકોમાં તંત્રના આ નિર્ણય સામે કુતુહુલતા વ્યાપી હતી.

આણંદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રોજેરોજ સ્ટ્રોક તથા ડાયાલીસીસના અનેક દર્દીઓ સારવાર અર્થે આવે છે ત્યારે આવા દર્દીઓ અંગે કંઈપણ વિચારણા કર્યા વિના તંત્ર દ્વારા સમગ્ર હોસ્પિટલને આઈસોલેટ કરી અન્ય કોઈ દર્દીઓની વિચારણા કરવામાં ન આવતા હોસ્પિટલ સત્તાધીશો સહિત જાગૃત દર્દીઓમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.

મોડી રાત્રે ઝાયડસ હોસ્પિટલને આઈસોલેટ કરવાના નિર્ણયને લઈ આજે સવારના સુમારે ઝાયડસ હોસ્પિટલ આણંદના હેડ પ્રજ્ઞોશ ગોર જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા હતા અને આ અંગે રજૂઆત પણ કરી હતી. જો કે આ અંગે તંત્ર દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હોસ્પિટલની અન્ય જરૂરી સેવાઓ ચાલુ રાખવા જણાવ્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો છે : આરોગ્ય અધિકારી

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી. છારીનો ટેલીફોનીક સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું અને આગળની કાર્યવાહી પણ જિલ્લા કલેક્ટર કરશે તેમ ઉમેર્યું હતું. જેથી આ મામલે જિલ્લા કલેક્ટરનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓનો ફોન સતત રણકતો રહેવા પામ્યો હતો અને સંપર્ક થઈ શક્યો ન હતો.

Tags :