બોરસદના નિસરાયામાં પોલીસના નામે ફાળો ઉઘરાવનાર સામે ગુનો નોંધાયો
- કોરોનાના નામે રૂ. 1 હજાર ઉઘરાવ્યા હતા
- પોલીસે કારના નંબરના આધારે નિવૃત્ત જમાદાર અને ચાલક સામે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી
આણંદ, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
લોકડાઉનના સમય દરમ્યાન કેટલાક શખ્શો લોકોને છેતરવાના અવનવા કીમીયા અજમાવી રહ્યા છે ત્યારે બોરસદ તાલુકાના નિસરાયા ગામે પોલીસ નામે બે શખ્શોએ બે વ્યક્તિ પાસેથી કોરોના વાયરસ અંગે ફાળા પેટે કુલ્લે રૃા.૧ હજાર પડાવ્યા હોવાના બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. જો કે આ અંગે કારના નંબરના આધારે પોલીસે નિવૃત્ત જમાદાર અને કારના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના નિસરાયા ગામે મૂજર તલાવડી પાસે અલ્પેશકુમાર રંગીતભાઈ રાજ પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે બપોરના સુમારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે બે અજાણ્યા શખ્શો એક વેગનાર ગાડી લઈને તેમના ઘર નજીક આવી ચઢ્યા હતા. ગાડીના આગળના ભાગે પોલીસનું બોર્ડ લગાવ્યું હતું. દરમ્યાન આ બંને શખ્શોએ પોલીસની ઓળખ આપી અલ્પેશકુમાર પાસે કોરોના વાયરસના ફાળાની માંગણી કરી હતી અને અલ્પેશભાઈ પાસેથી ૫૦૦ રૃપિયા તેમજ તેઓના કાકા જશવંતસિંહ રાજ પાસેથી ૫૦૦ રૃપિયા મળી કુલ્લે રૃા.૧૦૦૦ લઈ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. જો કે બાદમાં આ અંગે અલ્પેશકુમારે તપાસ કરતા કોરોના વાયરસ અંગે પોલીસ દ્વારા કોઈ ફાળો ઉઘરાવવામાં ન આવતો હોવાનું જાણવા મળ્યું હતું અને પોતાની પાસેથી ફાળો લેનાર શખ્શોએ પોલીસની ઓળખ આપી છેતરપીંડી કરી હોવાનું જાણવા મળતા તેઓએ તુરંત જ આ અંગે બોરસદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા બે શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં બોરસદ શહેર પોલીસે વેગનાર કારના નંબરના આધારે તપાસ કરતા નિવૃત્ત એએસઆઈ રમેશભાઈ બાલાભાઈ તથા તેઓના ડ્રાઈવર હર્ષદભાઈ બંને રહે. આણંદએ કોરોના વાયરસના ફાળા પેટે નાણાંની ઉઘરાણી કરી હોવાનું જાણવા મળતા પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.