આણંદ જિલ્લામાં કિલર કોરોના બેકાબુ 11 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ
- શહેર- જિલ્લામાં કોરોનાનો ઉપદ્રવ યથાવત્
- આણંદમાં- ૩, બોરસદમાં- ૨, પેટલાદમાં બે, ખંભાતમાં બે, ઉમરેઠ અને સોજિત્રામાં એક- એક કેસ નોંધાયો
આણંદ, તા. 26 જુલાઈ 2020, રવિવાર
આણંદ શહેર અને જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો રવિવારે પણ યથાવત્ રહ્યો હતો. ત્યારે આણંદ શહેરમાં કોરોનાના ત્રણ પેટલાદમાં બે, ખંભાતમાં બે, ઉમરેઠ અને સોજિત્રામાં એક એક કેસ મળી કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેના પગલે શહેરમાં આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્રની ટીમોએ દોડી આવી સેનેટાઇઝનની કામગીરી હાથ ધરી હતી.
આણંદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના અજગરી ભરડાથી સ્થાનિક સંક્રમણે માઝા મૂકી છે ત્યારે રવિવારે બોરીઆવીના ઓવરબ્રિજ પાસેની માનસી ગ્રીન સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય પુરુષ, કરમસદમાં બસ સ્ટેશન પાસેના દુલારી એપાર્ટમેન્ટમાં રહેતા ૬૫ વર્ષીય પુરુષ, અને ૫૮ વર્ષીય મહિલા કોરોનામાં સપડાયા હતા. જ્યારે બોરસદના ડાલી પાસેની ઇન્દિરા કોલોનીમાં રહેતા ૫૦ વર્ષીય પુરુષ અને અલારસા બહરામપોળમાં રહેતા આઘેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જ્યારે ખંભાતના નાના કલોદરાની સીમલા સોસાયટીના જવાહર ફળિયા વિસ્તારમાં રહેતી ૬૮ વર્ષીય મહિલા અને વાતરાના મહાદેવ ફળિયામાં ફળીયામાં રહેતા ૫૦ વર્ષીય પુરુષને કોરોના થતા સારવાર અર્થે ખસેડાયા છે. આ ઉપરાંત પેટલાદના મહાદેવ ફળિયામાં પાનેજ વિસ્તારમાં રહેતા આધેડ અને જેસરવામાં ગુજરાતી સ્કૂલ પાસે રહેતા ૪૮ વર્ષીય મહિલા કોરોનામાં સપડાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.
આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પુનઃ કોરોના વાયરસે માથુ ઉચકતાં શહેરીજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ તથા પાલિકા તંત્રની ટીમ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોનું તબીબી પરીક્ષણ હાથ ધરી જે-તે વિસ્તારને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.