આણંદ જિલ્લામાં ધો. 10 નું 55.43 ટકા પરિણામ : ગત વર્ષ કરતા 4.38 ટકા ઘટયું
- ગત વર્ષની સરખામણીએ 4.38 ટકા પરિણામમાં ઘટાડોઃ જિલ્લા રાજ્યમાં 25 મા ક્રમે
આણંદ, તા.9 જૂન 2020, મંગળવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલ એસ.એસ.સી.ની પરીક્ષામાં આણંદ જિલ્લા ૫૫.૪૩ ટકા પરિણામ સાથે ૨૫માં ક્રમે રહેવા પામ્યો છે. જો કે ગત વર્ષ ૨૦૧૯માં નોંધાયેલ ૫૯.૮૧ ટકા પરિણામ કરતા ૪.૩૮ ટકાનો પરિણામમાં ઘટાડો નોંધાયો છે. જો કે કોરોના વાયરસની મહામારી વચ્ચે ચાલુ વર્ષે ગત વર્ષ કરતા ૧૯ દિવસ મોડુ પરિણામ જાહેર થવા પામ્યું છે. સતત બીજા વર્ષે પણ ગત વર્ષની સરખામણીએ એ-૧ અને એ-૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બોર્ડની વેબસાઈટ પર એસએસસીનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ પોતાના અંગત કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન અને વેબસાઈટના માધ્યમથી પરિણામો નિહાળ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ધો.-૧૦ની બોર્ડની પરીક્ષામાં આણંદ જિલ્લામાં કુલ નોંધાયેલ ૨૭૬૧૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૭૦૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૫૦૦૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. મંગળવારના રોજ જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં આણંદ જિલ્લાનું પરિણામ ૫૫.૪૩ ટકા જાહેર થતાં આણંદ જિલ્લો સમગ્ર રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ત્રણ ડગલા આગળ વધી ૨૫માં ક્રમે નોંધાયો છે. આણંદ જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૩૧ વિદ્યાર્થીઓ, એ-૨ ગ્રેડમાં ૫૫૮ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં ૧૪૭૮ વિદ્યાર્થીઓ, બી-૨ ગ્રેડમાં ૨૯૧૨ વિદ્યાર્થીઓ, સી-૧ ગ્રેડમાં ૪૭૮૭ વિદ્યાર્થીઓ, સી-૨ ગ્રેડમાં ૪૫૨૬ વિદ્યાર્થીઓ અને ડી ગ્રેડમાં ૭૧૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. તેમજ ઈ-૧ ગ્રેડમાં ૬૬૮૨ અને ઈ-૨ ગ્રેડમાં ૫૩૭૯ વિદ્યાર્થીઓ જાહેર થયા છે. જો કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૪.૩૮ ટકા પરિણામ ઓછુ આવતા તેમજ એ-૧ અને એ-૨ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ ચિંતાની લાગણી જોવા મળી હતી. જો કે એ-૧ અને એ-૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠુ મ્હોં કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. આજરોજ પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા.
આસોદર કેન્દ્ર સતત ત્રીજા વર્ષે મોખરે : 55.25 ટકા પરિણામ
આણંદ, તા.9 જૂન 2020, મંગળવાર
મંગળવારના રોજ જાહેર કરાયેલ ધો.૧૦ એસ.એસ.સી.ના પરિણામમાં આણંદ જિલ્લાનું ૫૫.૪૩ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં ગત વર્ષે મોખરે રહેનાર જિલ્લાનું આસોદર કેન્દ્ર સતત ત્રીજા વર્ષે પણ ૭૭.૨૫ ટકા પરિણામ સાથે મોખરે રહેવા પામ્યો છે. જ્યારે અડાસ કેન્દ્ર ૨૧.૮૪ ટકા પરિણામ સાથે છેલ્લા સ્થાને રહ્યું છે.
નાવલી કેન્દ્રનો પરિણામમાં ધબડકો
આણંદ, તા.9 જૂન 2020, મંગળવાર
આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે નોંધાયેલા ૪૦ પૈકી ૧૪ કેન્દ્રોના પરિણામમાં વૃધ્ધિ જોવા મળી છે. જો કે ગત વર્ષે નાવલી કેન્દ્રના પરિણામમાં ૨૪.૪૮ ટકા ઘટાડો નોંધાતા પરિણામ ૪૦.૦૯ ટકા નોંધાયું હતું. જ્યારે ચાલુ વર્ષે ૨૦૨૦માં નાવલી કેન્દ્રનું પરિણામ ૭૪.૮૯ ટકા નોંધાતા પરિણામમાં ૩૪.૮૦ ટકા વધારો નોંધાયો છે.
માત્ર ૩૧ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો
આણંદ, તા.9 જૂન 2020, મંગળવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત માર્ચ-૨૦૨૦માં લેવાયેલ એસ.એસ.સી.ની પરીક્ષાનુ પરિણામ માર્ચ-૨૦૧૯માં નોંધાયેલ ૫૯.૮૧ ટકાથી ૪.૩૮ ટકા ઘટી ચાલુ વર્ષે ૫૫.૪૩ ટકા જાહેર થયું છે. જો કે ચાલુ વર્ષે એ-૧ અને એ-૨ ગ્રેડમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા ઓછી નોંધાઈ છે. ગત વર્ષે એ-૧ ગ્રેડમાં ઉતીર્ણ થયેલ ૯૩ વિદ્યાર્થીઓની સરખામણીએ ચાલુ વર્ષે એ-૧ ગ્રેડમાં માત્ર ૩૧ વિદ્યાર્થીઓ નોંધાતા ૬૨નો ઘટાડો નોંધાયો છે. સાથે સાથે ગત વર્ષે એ-૨ ગ્રેડમાં ઉતીર્ણ થયેલ ૭૫૭ વિદ્યાર્થીઓની સરખામણીએ ચાલુ વર્ષે ૫૫૮ વિદ્યાર્થીઓ નોંધાતા ૧૯૯નો ઘટાડો નોંધાયો છે.
સૌથી વધુ સુણાવ કેન્દ્રના ૪૩.૨૮ ટકા પરિણામમાં ઘટાડો થયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત માર્ચ-૨૦૨૦માં લેવાયેલ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૪૦ કેન્દ્ર પૈકી ૨૬ કેન્દ્રોના પરિણામમાં ઘટાડો નોંધાયો છે. જેમાં ૭ કેન્દ્રોના પરિણામમાં ૨૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જે પૈકી સુણવા કેન્દ્રમાં ૪૩.૨૮ ટકા, નાપાડ કેન્દ્રમાં ૨૭.૯૧ ટકા, અલારસા કેન્દ્રમાં ૨૫.૯૬ ટકા, ઉંદેલ કેન્દ્રમાં ૨૨.૦૫ ટકા, મહેળાવ કેન્દ્રમાં ૨૦.૫૩ ટકા અને ખંભાત કેન્દ્રમાં ૨૦.૩૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.