આણંદ જિલ્લામાં કોરોનાનો ઉપદ્રવ યથાવત : વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
- કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતા કેસોમાં ચિંતાજનક ઉછાળો
- વિદ્યાનગર, સામરખા, ઉમરેઠ, વડોદ, વિરસદ, આંકલાવ, ધર્મજ અને તારાપુર તાલુકામાં કોરોનાના કેસો નોંધાયા
આણંદ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના નવા-નવા પોઝીટીવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. આજે જિલ્લાના આણંદ શહેર ઉપરાંત વિદ્યાનગર, સામરખા, ઉમરેઠ, વડોદ, વિરસદ, આંકલાવ, ધર્મજ અને તારાપુરમાંથી મળી કુલ ૯ પોઝીટીવ કેસ નોંધાયા છે.
જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને જિલ્લાવાસીઓની નિષ્કાળજીને લઈ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધવા પામ્યો છે. આજે પણ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાના નવા ૯ કેસો પ્રકાશમાં આવ્યા છે. જેમાં આણંદ તાલુકામાં ૪, ઉમરેઠ તાલુકામાં ૧, બોરસદ તાલુકામાં ૧, આંકલાવ તાલુકામાં ૧, પેટલાદ તાલુકામાં ૧ અને તારાપુર તાલુકામાં ૧ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. આણંદ પાસેના સામરખા ગામે પરબડી નજીક આવેલ સરદાર ચોકમાં રહેતા ૫૨ વર્ષીય પુરૃષ તેમજ આણંદ તાલુકાના વડોદ ગામે તકીયા દિવાન સ્ટ્રીટમાં રહેતા ૪૮ વર્ષીય મહિલા તેમજ આણંદ શહેરની આકાંક્ષા હોસ્પિટલ નજીક આવેલ મર્સી સોસાયટી ખાતે રહેતા ૭૦ વર્ષીય પુરૃષ અને આણંદ પાસેના બાકરોલ ગામે કલીકુંજ વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. ઉપરાંત તાલુકા મથક ઉમરેઠના ભાટવાડા વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષીય પુરૃષ, બોરસદ તાલુકાના વિરસદ ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય પુરૃષ, પેટલાદ તાલુકાના ધર્મજ ગામે રહેતા ૬૫ વર્ષીય પુરૃષ અને તાલુકા મથક તારાપુરની ધર્મદાસની ખડકી ખાતે રહેતા ૬૫ વર્ષીય પુરૃષ તેમજ આંકલાવ તાલુકાના ગોલવાડ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય યુવક પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સ્થાનિક તંત્ર તેમજ આરોગ્ય વિભાગની ટીમો હરકતમાં આવી હતી અને સેનીટાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોનું તબીબી પરીક્ષણ હાથ ધર્યું હતું.
આજે આણંદ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળોએથી પ્રકાશમાં આવેલ કોરોનાના તમામ પોઝીટીવ દર્દીઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. જે પૈકી સામરખા, ઉમરેઠ, વિરસદ, આણંદ તથા બાકરોલ ગામના કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ ઓક્સિજન ઉપર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તેઓના સેમ્પલ લઈ તબીબી પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.