આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર જારી વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા
- છેલ્લા 15 દિવસથી કેસો રોકેટગતિએ વધતા ફફડાટ
- પેટલાદ, બોરસદ, ખંભાત, આંકલાવ અને આણંદમાં દર્દીઓ મળી આવ્યા : દર્દીઓનો કુલ આંક ૪૦૦ નજીક પહોંચ્યો
આણંદ, તા.22 જુલાઈ 2020, બુધવાર
આણંદ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી કોરોનાનો કહેર સતત જારી રહેવા પામ્યો છે. આજે પણ જિલ્લામાંથી નવા સાત પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા કોરોનાના કુલ દર્દીઓનો આંક ૪૦૦ની નજીક પહોંચી ગયો છે. આજે જિલ્લાના પેટલાદ, બોરસદ, ખંભાત, આંકલાવ અને આણંદ તાલુકામાંથી કોરોનાના અલગ-અલગ પોઝીટીવ કેસ મળી આવ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.
છેલ્લા પંદરેક દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં રોજેરોજ સરેરાશ ૮ થી ૧૦ પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેમાંય છેલ્લા એક સપ્તાહથી આણંદ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ નવા ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ મળી આવતા જિલ્લાભરમાં ફફડાટની લાગણી વ્યાપી છે. આજે આણંદ તાલુકામાંથી કોરોનાના બે પોઝીટીવ કેસ મળી આવ્યા છે. જેમાં આણંદ પાસેના બાકરોલ ગામની તુલસી આંગન સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય પુરૃષ અને આણંદ તાલુકાના અજરપુરા ગામે પ્રજાપતિ નિવાસ ખાતે રહેતા ૪૮ વર્ષીય પુરૃષ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે પેટલાદ તાલુકાના નાર ગામે જોગા ભાગોળ ખાતેના બારોટ સ્ટ્રીટમાં રહેતા ૪૮ વર્ષીય પુરૃષ, તાલુકા મથક બોરસદના ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ માં ટેનામેન્ટ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય પુરૃષ તેમજ બોરસદની મોટી ખડકી નજીક રહેતા ૭૦ વર્ષીય પુરૃષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે તાલુકા મથક ખંભાતના સ્ટેશન રોડ ઉપર આવેલ દાલવાડની ૫૪ વર્ષીય મહિલા અને આંકલાવ તાલુકાના ખડોલ ગામે પરબડી નજીક રહેતી ૪૮ વર્ષીય મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના ખંભાત, પેટલાદ અને બોરસદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હવે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
જિલ્લાના વિવિધ સ્થળોએથી કોરોનાના પોઝીટીવ કેસ મળી આવતા પાલિકા તંત્ર, પંચાયત તેમજ આરોગ્ય તંત્રની ટીમો કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધર્યું હતું તેમજ સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.