આણંદ જિલ્લામાં 1 સપ્તાહમાં જ તંત્ર દ્વારા 6 જેટલા બાળલગ્ન અટકાવાયાં
- જીટોડીયામાં-૨, શહેરમાં-૧, કણઝર ગામે એક અને આંકલાવ અને વઘાસી ગામમાં એક-એક કેસ નોંધાયો
આણંદ, તા.4 જુલાઈ 2020, શનિવાર
ગત માસના છેલ્લા સપ્તાહ દરમિયાન આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાળ લગ્ન થઈ રહ્યા હોવાની ફરિયાદો જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને મળી હતી. આ ફરિયાદોના આધારે જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન-આણંદ અને અભયમ-૧૮૧ની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈ બાળલગ્ન અટકાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ કામગીરી અંતર્ગત આણંદના જીટોડીયામાં-૨, આણંદ શહેરમાં-૧, ખંભાત તાલુકાના કણઝટ ગામે-૧, આંકલાવ અને વઘાસી ગામમાં ૧-૧ મળી કુલ ૦૬ જેટલા બાળલગ્નો અટકાવવામાં આ ટીમને સફળતા મળી હતી. જિલ્લામાં જ્યાં બાળલગ્નો થતાં તે લગ્નનો અટકાવીને બાળકોના માતા-પિતા તથા સમાજના આગેવાનોને બાળલગ્ન કાયદા વિશેની જાણકારી આપવામાં આવી હતી. સોજિત્રા તાલુકાના કાસોર ગામના પાચાલીપુરા સીમ વિસ્તારમાં સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા. જ્યાં સમૂહ લગ્ન થઈ રહ્યા હતા તે સ્થળની તપાસ કરવામાં આવતાં ત્યાં પણ એક બાળલગ્ન થઈ રહ્યા હોવાનું જણાઈ આવતાં સમૂહ લગ્નના આયોજક પર બાળલગ્ન પ્રતિબંધ અધિકારી એસ.એમ.વ્હોરા દ્વારા સોજિત્રા પોલીસ સ્ટેશનમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એસ.એમ.વ્હોરાએ દિવસેને દિવસે જિલ્લામાં બાળલગ્નનું પ્રમાણ વધતું જાય છે તે બાબતને ચિંતાજનક જણાવી હતી. તેમણે જો કોઈ વ્યક્તિ ૧૮ વર્ષથી નીચેની છોકરી અને ૨૧ વર્ષથી નીચેના છોકરાના લગ્ન કરાવે કે લગ્ન કરાવવામાં મદદગારી કરે તેવા તમામ વ્યક્તિઓ જેવા કે બાળકોના માતા-પિતા, ગોર મહારાજ, મંડપ ડેકોરેશનવાળા, જાનૈયા એમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાળલગ્નમાં ભાગ લેનાર તમામ વિરૃધ્ધ બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવે છે તેટલું જ નહીં જેમાં ૨ વર્ષ સુધીની જેલ અને રૃા.એક લાખ સુધીના દંડની જોગવાઈ હોઈ આવા કોઈ લગ્નો થતા હોય તો તેને અટકાવવા અગર તો તેની જાણ કરવા પણ વ્હોરાએ વધુમાં જણાવ્યું છે.એસ.એમ.વ્હોરાએ વધુમાં આણંદ જિલ્લામાં સમૂહ લગ્નના આયોજકોએ સમૂહ લગ્ન કરાવતા પહેલાં તમામ યુગલની ઉંમરની ખરાઈ કરાવવા માટે આણંદની અમૂલ ડેરી સામે, સરકીટ હાઉસની બાજુમાં, જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે રૃબરૃમાં આવી જાણ કરવાની રહેશે તેમ જણાવ્યું છે.