આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 12 કેસ કુલ આંક 500 ને પાર પહોંચી ગયો
- કિલર કોરોના જિલ્લામાં હટવાનું નામ નથી લેતો
- આંકલાવમાં ૩, પેટલાદમાં બે તથા આણંદ, સારસા, કરમસદ, ઉમરેઠ, વિદ્યાનગર, ગામડી અને જોળમાં એક-એક કેસ
આણંદ, તા.1 ઓગષ્ટ 2020, શનિવાર
આણંદ જિલ્લામાં આજે કોરોનાના વધુ નવા ૧૨ પોઝીટીવ કેસ નોંધાતા કોરોનાના પોઝીટીવ કેસોનો કુલ આંકડો ૫૦૦ને પાર કરી ગયો છે. આજે જિલ્લાના આંકલાવમાંથી ૩, પેટલાદમાંથી ૨ તથા આણંદ, સારસા, કરમસદ, ઉમરેઠ, વિદ્યાનગર, ગામડી અને જોળ ખાતેથી ૧-૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
જુલાઈ માસના પ્રથમ સપ્તાહથી સમગ્ર આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે પણ જિલ્લામાંથી કોરોનાના વધુ નવા ૧૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં આણંદ શહેરના વહેરાઈ માતા મંદિર નજીક રહેતા ૬૬ વર્ષીય પુરૃષ, આણંદ નજીકના ગામડી ગામે ભાવના કોલોની ખાતે રહેતી ૪૪ વર્ષીય મહિલા, આણંદ પાસેના બાકરોલના જોળ ગામે આવેલ આંગણવાડી નજીક રહેતા ૪૬ વર્ષીય પુરૃષ તથા કરમસદ-વિદ્યાનગર રોડ ઉપર કરમસદ ગામના જયરામપાર્ક ખાતે રહેતા ૬૬ વર્ષીય પુરૃષ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાથે સાથે આણંદ તાલુકાના સારસા ગામે હવેલી પોળ ખાતે રહેતા ૫૮ વર્ષીય પુરૃષ તેમજ ઉમરેઠના પંચવટી વિસ્તારમાં આવેલ કાકાની પોળ ખાતે રહેતી ૬૭ વર્ષીય મહિલા પણ કોરોનામાં સપડાયા છે. જ્યારે તાલુકા મથક આંકલાવનો એક ૩૦ વર્ષીય યુવક તથા ૬૫ વર્ષીય પુરૃષ અને આંકલાવની ઉંડી ખડકી ખાતે રહેતી ૬૨ વર્ષીય મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી છે. તાલુકા મથક પેટલાદના આશાપુરી રોડ ઉપર નાની રેલ્વે ફાટક નજીક રહેતા ૫૯ વર્ષીય પુરૃષ તથા પેટલાદના ગોપાલપુરા ખાતે રહેતી ૨૨ વર્ષીય યુવતી તેમજ વલ્લભવિદ્યાનગર ખાતે રહેતી ૫૨ વર્ષીય મહિલાનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે.
આજરોજ આણંદ જિલ્લામાંથી નોંધાયેલ ૧૨ કોરોના પોઝીટીવ કેસો પૈકી શહેરના વહેરાઈ માતા વિસ્તાર, પેટલાદના આશાપુરી રોડ, આંકલાવની ઉંડી ખડકી, ઉમરેઠની કાકાની પોળમાંથી મળી આવેલ દર્દીઓ હાલ ઓક્સિજન ઉપર તેમજ સારસા ખાતેથી મળી આવેલ દર્દી વેન્ટીલેટર ઉપર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જ્યારે અન્ય દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ દર્દીઓને હાલ આણંદ, આંકલાવ, ઉમરેઠ અને પેટલાદની વિવિધ હોસ્પિટલોમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.