Get The App

આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 10 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

- મહામારીનો આતંક સતત ચાલુ : કેસોમાં રોજ થતી વધઘટ

- આણંદ શહેરમાં છ, બોરસદમાં બે અને ખંભાત તથા પેટલાદમાં એક-એક કેસ

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 10 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ 1 - image


આણંદ, તા.25 જુલાઈ 2020, શનિવાર

ગત તા.૬ જુલાઈના રોજથી સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને જિલ્લાના વિવિધ કોવિડ સેન્ટરો પણ કોરોનાગ્રસ્ત દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે શનિવારના રોજ પણ આણંદ જિલ્લામાંથી નવા ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જો કે તંત્ર દ્વારા પણ સતત ૨૦ દિવસથી વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે નક્કર કાર્યવાહી ન કરી માત્ર બેઠકો યોજી કાગળ ઉપર જ કાર્યવાહી કરાતી હોવાના આક્ષેપ વચ્ચે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિત સર્જાઈ હોવાનું સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે.

આણંદ શહેરમાં કોરોના વિસ્ફોટ થતા આજે ફરીથી શહેરના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી કોરોનાના કુલ છ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. સાથે સાથે બોરસદ ખાતેથી બે તેમજ ખંભાત અને પેટલાદ ખાતેથી એક-એક મળી જિલ્લામાં આજે કુલ ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા છે. આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ૧૦૦ ફૂટ રોડ પરના રોયલ પ્લાઝા નજીકની આવકાર સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય પુરૃષ, ભાલેજ રોડ ઉપર આવેલ શકીના પાર્ક સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષીય પુરૃષ, આશાનગર સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય યુવક તેમજ ઈલોરા પાર્ક સોસાયટી ખાતે રહેતા ૬૫ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે શહેરના અમીન ઓટો નજીકની રાજશિવાયલ  પાસેની યશવિધી એપાર્ટમેન્ટ ખાતે રહેતી ૬૫ વર્ષીય મહિલા તેમજ જીટોડીયા રોડ ઉપર આવેલ વિશ્રુત પાર્ક ખાતે રહેતા ૬૦ વર્ષીય પુરૃષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં પુનઃ કોરોના વાયરસે માથુ ઉચકતાં શહેરીજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ તથા પાલિકા તંત્રની ટીમ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોનું તબીબી પરીક્ષણ હાથ ધરી જે-તે વિસ્તારને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

આણંદ શહેર ઉપરાંત જિલ્લાના બોરસદ, ખંભાત અને પેટલાદમાં પણ કોરોનાનો પ્રકોપ જારી રહેવા પામ્યો છે. બોરસદની મોહુદીશ સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય પુરૃષ તેમજ બોરસદ તાલુકાના ફતેપુરા ગામે રબારી ચકલામાં રહેતા ૬૫ વર્ષીય પુરૃષ કોરોનામાં સપડાયા છે. સાથે સાથે ખંભાતના નાગરવાડામાં રહેતા ૬૬ વર્ષીય પુરૃષ અને પેટલાદના જીવા મહેતાના પીપળા નજીક રહેતા ૭૫ વર્ષીય પુરૃષ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આજે નોંધાયેલ કોરોનાના કુલ ૧૦ દર્દીઓ પૈકી આણંદ શહેરના આવકાર સોસાયટી, શકીના પાર્ક સોસાયટી, યશવિધિ એપાર્ટમેન્ટ તથા વિશ્રુતપાર્ક સોસાયટી તેમજ ખંભાત અને પેટલાદના દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હાલ આ તમામ દર્દીઓ કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલ તથા વડોદરાની એમએમસી હોસ્પિટલમાં અલગ-અલગ સારવાર લઈ રહ્યા છે.

Tags :