કોરોના વાઇરસની અસર : આણંદ જિલ્લામાં 144મી કલમ લાગુ કરાઇ
- તંત્રની મંજૂરી વિના સભા, સરઘસ, મેળાવડા યોજવા પર સખત પ્રતિબંધ
- અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું : ભંગ કરનારા સામે શિક્ષાત્મક પગલાં લેવાશે : હુકમ 31 માર્ચ સુધી અમલી રહેશે
આણંદ, તા.20 માર્ચ 2020, શુક્રવાર
વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં હાલ કોવીડ-૧૯ના ૧૨૬થી વધુ કેસ નોંધાયા છે. નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.સી.ઠાકોરે સી.આર.પી.સી. કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-૩૭(૪) હેઠળ જાહેરનામુ બહાર પાડયું છે. નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને પગલે સમગ્ર આણંદ જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત મંજૂરી વિના વિશાળ સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કોઈપણ પ્રકારના કાર્યક્રમો જેવા કે સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા પ્રસંગો યોજવા નહિ, યોજ્યા હોય ત્યાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહેવું નહિ.
મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવા મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટયગૃહો સહિતના સ્થળો ઉપરાંત જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, ડાન્સ, ક્લાસ, ગેઈમ ઝોન, ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટીપ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, રિક્રિએશનક્લ વગેરે બંધ રાખવા, શૈક્ષણિક સંસ્થાઓ અને ટયુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. ભીડ થતી હોય તેવા હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, મીઠાઈ-ફરસાણની દુકાન, ભોજનાલય તથા તમામ ખાનગી સ્થળોના સંચાલકોએ નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી હાઈજીનની વ્યવસ્થા કરી પૂરતી તકેદારી રાખવી. કોઈપણ વ્યક્તિ, સંસ્થા કોરોના વાયરસ અંગે કોઈપણ પ્રકારની અફવા કોઈપણ પ્રકારના માધ્યમ મારફતે ફેલાવશે તો તેને ગુન્હો ગણી તેમના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બંધ રાખવા. જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવ્યા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ અથવા હેલ્પલાઈન નં.૧૦૪ ઉપર ફરજિયાત જાણકારી આપવી. આ હુકમ જિલ્લામાં તા.૩૧ માર્ચ-૨૦૨૦ સુધી અમલી રહેશે.
સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવા હોમગાર્ડ્સ કે સરકારી-અર્ધસરકારી એજન્સીઓને તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહિં. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.