તારાપુરમાં જીવનજરૃરી ચીજવસ્તુઓ, શાકભાજીના વેપારીઓને હેલ્થકાર્ડ અપાયા
- લૉકડાઉન 4-ના અમલ વચ્ચે
- હેલ્થ સ્ક્રીનિંગ કરી કાર્ડ આપવાની કામગીરીનો પ્રારંભ : 281 મંજૂરી મળી
આણંદ, તા.18 મે 2020, સોમવાર
કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન-૪ અમલી બનાવાયું છે ત્યારે ગઈકાલથી આણંદ જિલ્લાના તારાપુર ગામે શાકભાજી તથા જીવનજરૃરીયાતની ચીજવસ્તુ વેચતા વેપારીઓને આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થકાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના તારાપુરની મામલતદાર કચેરી દ્વારા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ રવિવારના રોજ તારાપુર ગામે અનાજ કરિયાણું ફળ-ફળાદિ, શાકભાજી તથા દૂધનું વેચાણ કરતા વેપારીઓ તેમજ આવા વેપારીઓને ત્યાં કામ કરતા માણસોનું એક લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત તારાપુર ખાતેના દરેક વેપારીઓ તેમજ તેમને ત્યાં કામ કરતા માણસોનું ગઈકાલથી હેલ્થ સ્ક્રીનીંગ કરી હેલ્થ કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી તારાપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શરૃ કરવામાં આવી છે. ગઈકાલે તારાપુરની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિવિધ વેપારીઓ તથા તેમના કારીગરોને બોલાવવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓના આરોગ્યની તપાસણી કરાઈ હતી. તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરાવી ફરજિયાત માસ્ક અંગે વેપારીઓને સલાહ આપી વેપારીઓને હેલ્થ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતા.
તારાપુર તાલુકા આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગતરોજ શાકભાજી વેચનાર ૭૫ વેપારીઓ, ફળફળાદિના ૪ વેપારી તેમજ અનાજ-કરિયાણાના ૨૦૨ વેપારીઓને હેલ્થ સ્ક્રીનીંગ કરી હેલ્થ કાર્ડ ઈસ્યુ કરાયા હતા. આજે પણ આ કાર્યવાહી જારી રહેવા પામી હતી. સરકાર દ્વારા આગામી તા.૩૧ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે જે વેપારી પાસે હેલ્થ કાર્ડ હશે તે જ વેપારી વેપાર-ધંધો કરી શકશે તથા દરેક વેપારીને અઠવાડિયામાં એકવાર ટેમ્પરેચર સ્ક્રીનીંગ કરાવવું પડશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.