વિવાદમાં ફસાયેલા ભરતસિંહ રાજકરણમાં બ્રેક લેશે: ચૂંટણી નહિ લડે?


- 'મારી પત્ની મારા કહ્યામાં નથી અને 15 વર્ષથી અમારે કોઈ સંબંધ નથી'

- 'રેશ્મા પટેલને મારી સંપત્તિમાં જ રસ છે, તેણે મને મારી નખાવવા દોરા-ધાગા પણ કરાવ્યા'

અમદાવાદ, તા. 03 જૂન 2022, શુક્રવાર

દિગ્ગજ કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવન મુદ્દે વિવાદોમાં છે. તાજેતરમાં જ તેમના પત્ની રેશ્મા પટેલે તેમને અન્ય યુવતી સાથે ઝડપી પાડ્યા હતા તે ઘટનાની વીડિયો ક્લિપ્સ ખૂબ જ વાયરલ થઈ હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે ભરતસિંહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કથિત વીડિયો અંગે સ્પષ્ટતા કરવાની સાથે પોતાની હૈયાવરાળ ઠાલવીને નિર્દોષતા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

પત્રકાર પરિષદ દરમિયાન ભરતસિંહે પ્રત્યક્ષ રાજકારણમાંથી બ્રેક લેવાની પણ જાહેરાત કરી છે. જોકે તેમણે પોતે સામાજિક અને જ્ઞાતિના પ્રચાર-પ્રવાસ માટે સમય આપશે તેમ પણ જણાવ્યું હતું. જોકે તેમણે કોંગ્રેસ છોડવાની વાત નથી કરી તેવી સ્પષ્ટતા ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભરત સિંહે જણાવ્યું કે, તેઓ સંગઠન માટે કામ કરતા રહેશે પરંતુ રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય તેમનો અંગત છે. 

વધુ વાંચોઃ ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી લગ્નેત્તર સંબંધથી ફરી વિવાદમાં, નવા વિડીયો 

ભરતસિંહે વીડિયોમાં પોતાના સાથે દેખાઈ રહેલી યુવતી અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને પોતે તેના સાથે આઈસક્રીમ ખાવા ઘરે ગયા હોવાનું જણાવ્યું હતું. તેમણે યુવતીનું નામ રિદ્ધિ પરમાર છે તેમ જણાવ્યું હતું. સાથે જ પોતે ડિવોર્સ ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા હોવાનું કહ્યું હતું. ભરતસિંહે જણાવ્યું કે, હું મારી પત્નીથી છૂટીશ અને મને કોઈ સ્વીકારે, મારા ત્રીજા લગ્ન થાય તો એ મારા નસીબ. તેમણે રેશ્મા પટેલ સાથે પ્રેમ લગ્ન બાદ રેશ્મા પટેલને માત્ર સંપત્તિમાં જ રસ હોવાનો આક્ષેપ કર્યો છે. 

ભરતસિંહે કહ્યું કે, તાજેતરમાં રામ મંદિર મુદ્દે મને વખોડવામાં આવ્યો. રામનુ મંદિર બંધાય તો ભરતને આનંદ થાય કે નહીં. રામ મંદિરમાં સૌની ભાગીદારી છે, તેમાં કંઈ ખોટુ થયું હોય તો આંગળી ચીંધવાનો અમારો અધિકાર છે. દરેક વાતને તોડી-મરોડીને રજૂ કરાય છે. હવે આ વાતને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. મોંઘવારી અને ગુજરાતની તકલીફો દેખાડવાના બદલે કોના લગ્નજીવનમાં સમસ્યા છે એના પર ધ્યાન અપાય છે. આ દેશમાં અનેક પરિવારમાં છૂટાછેડા ડિવોર્સની વાત થાય છે, તેમાંથી કોઈ વાતનો નિકાલ ન આવે તો તે માટે દેશની કોર્ટ છે. તેની ચર્ચા રાજકીય મંચ પર રાજકીય રીતે વારંવાર કેવી રીતે કરવી. તેના માટે બેકગ્રાઉન્ડમાં પણ જવું જોઈએ. લગ્ન કેવા સંજોગોમાં થયા અને શું થયું તે લોકો પહેલા જાણી લે. આ સાથે જ ભરતસિંહે લગ્નના 15 વર્ષ બાદ પણ કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો કર્યો હતો. 

વધુમાં જણાવ્યું કે, હું ઈચ્છતો કે ઘરની વાત ઘરમાં રહે. બહાર જવાથી કોઈ સોલ્યુશન આવતા નથી. મીડિયા, ટીવી, ડિબેટમાં આવવાથી પ્રશ્નનો નિરાકરણ થાય તો મને કોઈ વાંધો નથી. છેલ્લે ન્યાયતંત્ર પર આધાર છે. મારી પાસે અનેક પુરાવા છે તે કોર્ટમાં રજૂ કરવાના છે. હાલ રજૂ કરૂ તો તેનો કોઈ લાભ કે ઉપાય નથી. બંધારણે ઘડેલા નીતિ નિયમોના આધારે કોર્ટ નક્કી કરશે. 

રેશ્માને ફક્ત પૈસામાં રસ છેઃ ભરતસિંહ

પત્ની પૈસાની લાલચુ હોવાનો આક્ષેપ કરતાં ભરતસિંહે કહ્યું કે, જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહિ જીવું. મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, ભરત હવે નહિ જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારૂં શું, પ્રોપર્ટીનું શું તેમ પૂછતી હતી. હું ઓક્સિજન પર હતો ત્યારે તે મારી પાસે પ્રોપર્ટી માગતી હતી. હું મરી જઈશ તો બધી સંપત્તિ પત્નીને મળશે પરંતુ તેને ધીરજ નથી. વધુમાં તેમણે રેશ્મા પટેલે તેમની એક કાર, બીજા ઘરનું ફર્નિચર વગેરે વેચી દીધા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

મારા જીવને જોખમઃ ભરતસિંહ

ભરતસિંહે પોતાના ભોજનમાં, દૂધમાં વગેરેમાં કશું ભેળવીને તેમને મારી નાખવાનો પ્રયત્ન થયાના પણ દાખલા છે તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે રેશ્મા પટેલ દોરા-ધાગા ઉપરાંત મૌલવીઓને જઈને આ ક્યારે મરશે તેવા સવાલ કરતા હતા તેમ પણ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, ભરતસિંહના વાયરલ વિડીયોનો વિવાદ ખૂબ જ વકર્યો હતો અને ભરતસિંહના કારણે ગુજરાતમાં કોંગ્રેસની છબિ ખરડાઈ રહી હોવાની ફરિયાદ ઉઠી હતી. ભરતસિંહ સામે પગલાં ભરવાની ફરિયાદ છેક રાહુલ ગાંધી સુધી પહોંચતા કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશના સીનિયર નેતાને આ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ આપવાની સૂચના આપી હોવાનું સામે આવ્યું હતું. સાથે જ જો ભરતસિંહ સુધરે નહીં તો તેઓ રાજકારણ છોડી દે, તેવી પણ ફરિયાદ કરાઈ હતી. 

એક અહેવાલ પ્રમાણે વિડીયોમાં ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી જોવા મળી હતી તે વડોડરાના મહિલા કોંગ્રેસી નેતાની ભાણી હોવાની ચર્ચા ચાલી રહી છે. મંગળવારના રોજ ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતી સાથે જોવા મળ્યા હતા. તે સમયે રેશ્મા પટેલે રણચંડીનું રૂપ ધારણ કરીને ભરતસિંહ અને તે યુવતીને બરાબરના હડફેટમાં લીધા હતા. 


City News

Sports

RECENT NEWS