Get The App

ગુજરાત કો.ઓ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણીમાં મેજર અપસેટ સર્જાતા આશ્ચર્ય

- રિપિટ થિયરીનું ગણિત સાવ ઉંઘુ વળી ગયું

- અરવલ્લીના શામળભાઈ પટેલ ચેરમેન અને કચ્છના વલમજીભાઈ હુંબલની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News

- ચૂંટણીમાં ફેડરેશનના 18 સભ્ય અને દૂધ સંઘોના 16 ચેરમેનો હાજર રહ્યા : તમામે ટેકો જાહેર કર્યો

ગુજરાત કો.ઓ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણીમાં મેજર અપસેટ સર્જાતા આશ્ચર્ય 1 - image

આણંદ, તા.23 જુલાઈ 2020, ગુરુવાર

રૂા.૫૨ હજાર કરોડના જંગી ટર્નઓવર ધરાવતા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની મલાઈદાર ખુરશી ઉપર આજે રામરાજ્યનો અંત આવ્યો છે. જીસીએમએમએફના ચેરમેન અને વાઈસ ચેરમેન પદની આજરોજ યોજાયેલ ચૂંટણીમાં મેજર અપસેટ સર્જાતા ચેરમેન પદ માટે અરવલ્લીના શામળભાઈ પટેલ જ્યારે વાઈસ ચેરમેનપદે કચ્છના વલમજીભાઈ હુંબલની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે. 

ચેરમેન તથા વાઈસ ચેરમેનની નવી નિમણુંક બાદ વિવિધ ડેરીના ચેરમેન સહિતના અધિકારીઓએ બંને નવનિયુક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. ૧૮ ડેરી સંઘો  સાથે જોડાયેલ વિશ્વ વિખ્યાત ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન તથા વાઈસ ચેરમેન પદની ચૂંટણી આજે ભારે ઉત્સુકતા વચ્ચે ચૂંટણી ડેપ્યુટી કલેક્ટર, આણંદની હાજરીમાં યોજાઈ હતી. જેમાં જીસીએમએમએફના ૧૮ સભ્ય દૂધ સંઘોના ૧૬ ચેરમેનો હાજર રહ્યા હતા. 

જીસીએમએમએફ ચેરમેનપદે સાબરકાંઠા ડેરી-હિંમતનગરના ચેરમેન શામળભાઈ બી.પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેઓના નામનો પ્રસ્તાવ ખેડા જિલ્લા સ.દૂ.ઉ.સંઘ લી., આણંદના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા કરાયો હતો અને બનાસકાંઠા ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વાઈસ ચેરમેનપદે કચ્છ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓના નામનો પ્રસ્તાવ પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા કરાયો હતો અને અમદાવાદ ડેરીના ચેરમેન મોહનભાઈ ભરવાડે ટેકો જાહેર કર્યો હતો.આ પ્રસંગે જીસીએમએમએફના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે, ર્ડા.કુરીયન દ્વારા જે સંસ્થાનું નેતૃત્વ કરાયું તેના ચેરમેન બનવાનું સૌભાગ્ય તેઓને મળ્યું છે.

ત્રિભુવનદાસ પટેલ અને ર્ડા.કુરીયનને યાદ કરતા તેઓ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ નૈત્તિકતાના ગુણો અને સિધ્ધાંતોને ધ્યાનમાં રાખી સહકારી ખેડૂત આગેવાનો અને નિષ્ણાંત તજજ્ઞાોની મદદથી અમૂલ ફેડરેશન ઉંચી સિધ્ધિઓ હાંસલ કરશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો. વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, જીસીએમએમએફ દેશના અન્ય સ્ટેટ ફેડરેશનો સાથે ઘનિષ્ઠતાથી કામ કરતું રહેશે અને સહકારી ચળવળને મજબૂત બનાવી રાજ્યના દૂધ ઉત્પાદકોનો પણ ખ્યાલ રાખશે.

દિલ્હી હાઈકમાન્ડના આદેશ મુજબ નિમણૂંક થઈ હોવાની ચર્ચા

જીસીએમએમએફનાં ચેરમેનપદનો તાજ મેળવવા વિવિઝ ડેરી સંઘોના માંધાતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ચૂંટણીના કેટલાક કલાકો પૂર્વે જ હોટ ફેવરીટ ગણાતા શંકરસિંહ ચૌધરીનું નામ ચૂંટણીની રેસમાંથી હટી જતા રીપીટ થીયરીની શક્યતા હતી. જો કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે મેજર અપસેટ સર્જાયો હતો અને ચેરમેન તેમજ વાઈસ ચેરમેન પદે નવા જ ચહેરાની નિમણુંક કરાઈ છે. દિલ્હી હાઈકમાન્ડના આદેશ મુજબ આ વરણી થઈ હોવાનું તેમજ આ અંગે ગઈકાલ મોડી રાત્રે જ આણંદ ખાતે કેટલાક ચેરમેનોની ગુપ્ત રાહે મીટીંગ યોજાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ચૂંટણી પૂર્ણ થયા બાદ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડયા

કોરોનાના કહેર વચ્ચે આજે આણંદ ખાતે ફેડરેશનમાં જીસીએમએમએફના ચેરમેન તથા વાઈસ ચેરમેનપદ માટે ઉત્તેજનાપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. જો કે ચૂંટણી પૂર્ણ થયા બાદ ફેડરેશન ખાતે સોશિયલ ડીસ્ટન્સના લીરેલીરાં ઉડતા જોવા મળ્યા હતા. ચેરમેન તથા વાઈસ ચેરમેનની નિમણૂંક થયા બાદ વિવિધ ડેરીના ચેરમેનો તથા અલગ-અલગ હોદ્દેદારો ફેડરેશન ખાતે એકત્ર થયા હતા. જ્યાં મીડીયાનો પણ મોટી સંખ્યામાં જમાવડો હતો. આ દરમ્યાન મીડીયા સાથેની વાતચીતમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરાં ઉડયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે હાજર હોઈ માત્ર તમાશો જોઈ રહી હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

Tags :