Get The App

આણંદ જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ પ્રક્રિયા શરૂ

- કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે લોકડાઉનના પગલે

- 2,53,846 કાર્ડધારકોને લાભ આપવા ગોડાઉનમાંથી વાજબી ભાવની દુકાનોમાં જથ્થો રવાના કરાયો

Updated: Apr 1st, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ પ્રક્રિયા શરૂ 1 - image


આણંદ,તા.31 માર્ચ 2020, મંગળવાર

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા એપ્રિલ માસમાં વિનામૂલ્યે રાશન આપવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવેલ છે. જે ધ્યાને લેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એન.એફ.એસ.એ. કાર્ડ ધારકોને એપ્રિલ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ તથા મીઠાનું વિના મૂલ્ય વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પુરવઠા શાખા આણંદ તથા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ આણંદ દ્વારા વિસ્તૃત તૈયારી હાથ ધરવામાં આવેલ છે.

આ અંગે વધુ વિગતો આપતાં જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં એન.એફ.એસ.એ. કાયદા હેઠળ કુલ ૨,૫૩,૮૪૬ રેશનકાર્ડ ધારકો લાભ લઈ રહ્યા છે. જેની જનસંખ્યા ૧૨,૯૦,૫૫૬ થાય છે. આ રેશનકાર્ડ ધારકો પૈકી અંત્યોદયના ૨૯,૫૯૨ તથા બીપીએલ ૧,૦૫,૫૫૨ તથા અગ્રતા ધરાવતા એપીએલ કુટુંબો ૧,૧૮,૭૦૨ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, દાળ, ખાંડ તથા મીંઠુ રાશનનો લાભ આપવામાં આવનાર છે. જે અંતર્ગત એપ્રિલ માસમાં વિતરણ કરવાનો જથ્થો ગોડાઉનો દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારો સુધી પહોંચાડવાની કામગીરી હાલ યુધ્ધના ધોરણે ચાલી રહેલ છે.

તેમજ ૧લી એપ્રિલથી એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે રાશન મળી રહે તે માટેનું સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવેલ છે. જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ દ્વારા વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને રાખી દુકાનદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખીને જથ્થાનું વિતરણ કરવામાં આવે તથા દુકાન પર બિનજરૂરી ભીડ ભેગી ના થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના તમામ તાલુકાના મામલતદારોને સુચના આપેલ છે. વધુમાં દુકાનો પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવા માટે પણ તમામ દુકાનદારોને સુચના આપવામાં આવેલ છે. 

દુકાનદારોને સેનીટાઇઝર ખરીદવા સરકારની રૂા. 500થી 1000ની સહાય

સરકાર દ્વારા વ્યાજબી ભાવની દુકાનદારોને સેનેટાઈઝરની ખરીદી કરવા માટે સરકાર દ્વારા રૂા.૫૦૦ થી ૧૦૦૦ જેટલો ખર્ચ કરવા મંજૂરી આપવામાં આવેલ છે. વિશેષમાં જણાવેલ કે જે લોકો રેશનકાર્ડ કે અન્ય પુરાવા ધરાવતા નથી તેવા અત્યંત ગરીબ, નિરાધાર અને ઘર કે કુટુંબ વિહોણા લોકો માટે અન્ના બ્રહ્મ યોજના હેઠળ ઘઉં ૩.૫ કિ.ગ્રા., ચોખા ૧.૫ કિ.ગ્રા., દાળ ૧ કિ.ગ્રા., ખાંડ ૧ કિ.ગ્રા. તેમજ મીઠું ૧ કિ.ગ્રા. આપવામાં આવનાર છે. આવા અન્ન બ્રહ્મના લાભાર્થીઓની ચકાસણી સંબંધિત તાલુકાના મામલતદાર દ્વારા કરી લાભ આપવામાં આવનાર છે.

પુરવઠા બાબતે ફરિયાદ માટે હેલ્પલાઇન શરૂ

સમગ્ર જિલ્લામાં પુરવઠા અંગે કોઈ ફરિયાદ હોય તો જિલ્લા કક્ષાએ હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવેલ છે. જેનો નંબર ૦૨૬૯૨-૨૬૪૮૮૬ રાખવામાં આવેલ છે. જે સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી કાર્યરત રહેશે. સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીનો પણ સંપર્ક કરી શકાશે.

Tags :