સોખડાની જીઆઈડીસીમાં ફસાયેલા 14 શ્રમિકો પગપાળા આણંદ રેલવે સ્ટેશને આવ્યા
- 4 થો લોકડાઉનમાં પણ મજૂરોનો મેળ પડયો ન હતો
- રેલવે સ્ટેશને આવી ચડેલા શ્રમિકોને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુવા કાઉન્સિલ દ્વારા ભોજનની સુવિધા અપાઈ
આણંદ, તા.26 મે 2020, મંગળવાર
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સોખડા ગામે આવેલ જીઆઈડીસીમાં લોકડાઉનને લઈ ફસાઈ ગયેલ બિહારના ૧૪ જેટલા શ્રમિકો આજે પોતાના વતન જવાની માંગ સાથે પગપાળા આણંદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ભગતસિંહ ઓલ ઈન્ડિયા યુથ કાઉન્સીલ દ્વારા આ તમામ શ્રમિકોને ભોજનની વ્યવસ્થા આપી તેઓને બિહાર મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે બિહારના સહારસા જિલ્લાના ૧૪ જેટલા શ્રમિકો છેલ્લા ચારેક માસથી મજુરી અર્થે ખંભાત તાલુકાના સોખડા ગામે આવ્યા હતા. સોખડા ગામે આવેલ જીઆઈડીસી ખાતે અલગ-અલગ ફેક્ટરીઓમાં છુટક મજુરી કરી આ શ્રમિકો જીવન ગુજરાન ચલાવતા હતા. પરંતુ લોકડાઉનને પગલે ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા છેલ્લા બે માસથી આ મજુરો સોખડા ગામે અટવાઈ પડયા હતા. લોકડાઉનના શરૃઆતના તબક્કામાં સ્થાનિકો દ્વારા મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. જો કે ત્યારબાદ મજુરો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ વતન પરત જવા માટે રજૂઆત કરાઈ હતી. જેને લઈ સ્થાનિક તંત્ર દ્વારા આ મજૂરોને ટ્રેન મારફતે બિહાર મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આ મજુરો પૈકી એક યુવક અચાનક બિમાર થઈ જતા તેને તારાપુરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ અન્ય મજૂરોએ બિમાર યુવકને મુકીને વતન જવાની ના પાડતા તંત્રએ ફરીથી કોઈ વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ મજુરો માટે કોઈ વ્યવસ્થા ન થતા આખરે ગઈકાલે ૧૪ જેટલા મજુરો સોખડાથી પગપાળા આણંદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે આણંદ રેલ્વે સ્ટેશન ખાતે મજૂરોનું જુથ આવી ચઢ્યું હતું. દરમ્યાન આજે સવારના સુમારે કેટલાક સ્થાનિકોએ મજુરોનો સંપર્ક કરતા તેઓ ભુખ્યા હોવાનું જાણવા મળતા સ્થાનિકોએ ભગતસિંહ ઓલ ઈન્ડિયા યુથ કાઉન્સીલ નામની સેવાભાવી સંસ્થાને જાણ કરતા સંસ્થા દ્વારા મજુરોને રહેવા માટે તેમજ જમવા માટેની વ્યવસ્થા કરાઈ હતી. સાથે સાથે આ મજુરોને તેઓના વતન મોકલવા માટે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરી જરૃરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.