આણંદ જિલ્લા સહકારી સંઘની આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધા
- 27મીની ચૂંટણી પૂર્વે ચાર બેઠકો બિનહરીફ થઈ છે : હવે ચાર તાલુકાની અને ત્રણ વ્યક્તિગત સભાસદોની બેઠક પર સ્પર્ધા
આણંદ, તા.19 ફેબ્રુઆરી 2020, બુધવાર
આણંદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી તા.૨૭મી ફ્રેબુઆરીના રોજ યોજાનાર છે ત્યારે ચાર બેઠકો બિનહરીફ જાહેર થતાં અન્ય ચાર તાલુકાની બેઠકો તેમજ ૩ વ્યક્તિગત સભાસદોની બેઠકો ઉપર સંત્તા હાંસલ કરી જિલ્લા સહકારી સંઘ ઉપર કબ્જો જમાવવા માટે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોના સભ્યો દ્વારા એડીચોટીનું જોર લાગવવામાં આવી રહ્યું છે.
આગામી તા.૨૭મી ફેબુ્રઆરી, ૨૦૨૦ના રોજ આણંદ જિલ્લા સહકારી સંઘની યોજાનાર ચૂંટણીમાં વ્યક્તિગત સભાસદમાં ૧૦ અને ૮ તાલુકામાં ૩૪ મળીને કુલ ૪૪ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. જે પૈકી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ સુધીમાં વ્યક્તિગત સભાસદમાંથી ૪ અને તાલુકા મંડળમાંથી ૧૨ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. હવે આગામી તા.૨૭મી ફેબુ્રઆરી, ૨૦૨૦ને ગુરૂવારના રોજ સવારે ૯ થી ૩ કલાક દરમ્યાન ૮ તાલુકા મથકો ખાતે મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરી તે જ દિવસે પરિણામ પણ જાહેર કરાશે. આ ચૂંટણીને લઈને કોંગ્રેસ-ભાજપે અંદરખાને સત્તા હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લાગવી સત્તા હાંસલ કરવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે વધુમાં મળતી વિગત મુજબ આણંદ જિલ્લા સહકારી સંઘની આગામી તા.૨૭મીના રોજ ચૂંટણી યોજાનાર છે. તે મુજબ આઠ તાલુકામાંથી એક-એક તેમજ વ્યક્તિગત સભાસદોની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જો કે બોરસદ, સોજિત્રા, આંકલાવ અને તારાપુરમાં અનુક્રમે નટવરસિંહ મહીડા, રજનીકાન્ત પટેલ, મનુભાઈ પઢિયાર અને પુનમભાઈ પરમાર બિનહરીફ વિજેતા થતા હવે આણંદ, ઉમરેઠ, ખંભાત અને પેટલાદ તાલુકાની અને ત્રણ વ્યક્તિગત સભાસદોની ચૂંટણી જે તે તાલુકા મથકો ખાતે આગામી તા.૨૭મી ફેબુ્રઆરીના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આણંદમાં ૨ ઉમેદવારો, ઉમરેઠમાં ૩ ઉમેદવારો, ખંભાતમાં ૩ અને પેટલાદમાં ૨ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જ્યારે વ્યક્તિગત સભાસદની ૩ બેઠક માટે હવે ૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
અહીં જાણવા જેવી બાબત એ છે કે આણંદ જિલ્લા સહકારી સંઘના ૧૩ સભ્યો પૈકી ૧૧ સભ્યોની ચૂંટણી યોજવામાં આવનાર છે. આ ચૂંટણીમાં ૮ તાલુકા મંડળના ૪૬૪ મતદારો નોંધાયેલા છે. જેમાં આણંદના ૧૦૭, ઉમરેઠના ૪૪, બોરસદના ૬૬, આંકલાવના ૨૬, પેટલાદના ૮૩, સોજીત્રાના ૩૩, તારાપુરના ૩૨ અને ખંભાત તાલુકાના ૭૩ મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે ૧૪૯ વ્યક્તિગત મતદારો નોંધાયેલા છે. જો કે ૧૩ બેઠકો પૈકી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમ બાકી રહેતી બેઠકો માટે પોતાના ઉમેદવાર ચૂંટાય તે માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા કવાયત હાથ ધરી બેઠક ઉપર સત્તા હાંસલ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.