બોરસદના રાસ ગામે ખાતર વેચાણમાં ખેડૂતો પાસે વધુ ભાવ લેવાતા હોબાળો
- દુકાન સંચાલક વિરૃદ્ધ મામલતદારને ફરિયાદ કરાતા ખાતરના કાળા બજારનો ભેદ ખૂલ્યો
આણંદ, તા.27 એપ્રિલ 2020, સોમવાર
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ ગામે ખાતર વેચાણમાં ખેડૂતો પાસેથી વધુ ભાવ વસુલ કરવામાં આવતા હોબાળો મચ્યો હતો. ખેડૂતો દ્વારા આ અંગે તંત્રના અધિકારીઓને રજૂઆત કરાતા અધિકારીઓની ટીમ તુરંત જ ખાતર વેચાણ કેન્દ્ર ખાતે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
બોરસદ તાલુકાના રાસ ગામે આજે સવારના સુમારે એક ખાતર વેચાણ કેન્દ્ર ખાતે ખાતર વેચાણની કામગીરી દરમ્યાન હોબાળો મચ્યો હતો. ખાતરની થેલીના નિયત ભાવ કરતા દુકાનના સંચાલક દ્વારા મનમાની કરી વધુ ભાવ વસુલવામાં આવતો હોવાનું ખેડૂતોએ જણાવી આ અંગે બોરસદના મામલતદારને રજૂઆત કરતા મામલતદાર સહિતની ટીમ તુરંત જ રાસ ગામે તપાસ કરવા પહોંચી હતી. જેમાં મામલતદારની ટીમ દ્વારા ખાતર સ્ટોક, બોર્ડ ભાવ અને વેચાણ સંદર્ભે ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં વિક્રેતા દ્વારા કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખાતરના નિયત ભાવ તેમજ ઉપલબ્ધ ખાતરના સ્ટોક બાબતની કોઈપણ જાણકારી બોર્ડ ઉપર પ્રસિધ્ધ ન કરવામાં આવી હોવાની ચર્ચાઓ ખેડૂતોમાં ઉઠી છે. જો કે રાસ ગામે ખાતર વેચાણ કેન્દ્ર ખાતે મામલતદારની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ખાતરનો કાળો બજાર કરતા તત્વોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ બોરસદ પંથકમાં આવેલ વિવિધ ખાતર વેચાણ કેન્દ્રો ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.