Get The App

ઘોરા, પરવટા તેમજ પણસોરા પાસેના માર્ગ પરના જોખમી ગરનાળાથી અકસ્માતની ભીતિ

- માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી દરમિયાન અનેક ઠેકાણે ગરનાળાનું સમારકામ અધુરૂ મુકાતાં વાહનચાલકો પરેશાન

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
ઘોરા, પરવટા તેમજ પણસોરા પાસેના માર્ગ પરના જોખમી ગરનાળાથી અકસ્માતની ભીતિ 1 - image


આણંદ, તા.12 જૂન 2020, શુક્રવાર

ખેડા જિલ્લાના નડિયાદથી ડાકોર સુધીનો માર્ગ ફોરલેન બનાવવાની કામગીરી છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહી છે. જે અંતર્ગત આ માર્ગ પર આવતાં ગરનાળાનાં સમારકામની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જો કે ઠેર-ઠેર શરૂ કરાયેલ ગરનાળાના સમારકામની કામગીરી છેલ્લાં ઘણાં મહિનાઓથી અધુરી છોડી દેવામાં આવી છે. જેને લઈ માર્ગ પર અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા આવી અધુરૂ કામગીરી વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી સમયની માંગ છે.

નડિયાદથી ડાકોરનો ૩૪ કિલોમીટરનો માર્ગ ફોરલેન બનાવવાની કામગીરી છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમય પહેલાં શરૂ કરવામાં આવી હતી. તંત્રની બેદરકારીને પગલે હજી સુધી આ માર્ગ પર કેટલાક ઠેકાણે ડામરકામ, ગરનાળાની કામગીરી તેમજ ડિવાઈડર બનાવવાનું કામ અધુરૂ છે. 

જેને પગલે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ જિલ્લાના પણસોરા, ઘોરા, લિંગડા તેમજ પરવટા ગામની સીમમાંથી પસાર થતાં આ માર્ગ પર મહિનાઓ અગાઉ શરૂ કરાયેલાં ઘોરા, પરવટા અને પણસોરા નજીકના ગરનાળાનું કામ પણ અધુરૂ છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં લિંગડા નજીક માર્ગ પરના ગરનાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે.પરવટા તેમજ પણસોરા પાસે માર્ગ પરના વળાંક પર જ ગરનાળા આવેલા છે.

આ ગરનાળા ઉપર સેફ્ટી વોલ સહિતની અધૂરી કામગીરીને પગલે અકસ્માત સર્જાવાની ભીતી છે. તો વળી ઘોરા નજીક ગરનાળાનું કામ અધુરૂ છોડયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવ્યાં નથી. જેને લઈ ખાસ કરીને રાત્રીના અંધકારમાં અકસ્માત થવાની ભીતી છે. આ ગરનાળાની ચાલુ કામગીરી દરમિયાન ટ્રક, ઈકો કાર તેમજ મોટી સંખ્યામાં મોટરસાઈકલ ખાબક્યાં હતાં. 

જેમાં ઘણાં વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. હાલના સમયમાં પણ આ સ્થળોએ અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ત્યારે જો તંત્ર દ્વારા વહેલી તકે ગરનાળાની આ કામગીરી પૂર્ણ કરવામાં નહી આવે તો આવનાર સમયમાં મોટી જાનહાનિ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. 

Tags :