'કામ નહીં તો વોટ નહીં' આણંદમાં સાત સોસાયટીના રહીશોનો ચૂંટણી બહિષ્કાર


- મત માંગવા આવતા નહીં, નહીં તો જાહેરમાં અપમાનીત કરાશે તેવા બેનરો લાગ્યા

- છેલ્લા બે દાયકાથી પાયાની સુવિધાઓથી વંચિત સોસાયટીના રહીશોનો રોષ ભભૂક્યો, ચૂંટણી પછી કોઇ ડોકાતું નથી તેવી નારાજગી

આણંદ : છેલ્લા ૨૦ વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પામેલ આણંદ શહેરની સાતેક જેટલી સોસાયટીઓના ૧,૫૦૦ જેટલા મતદારોએ સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના સૂચક બેનરો લગાવતા  રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. ચૂંટણી ટાણે મોટા-મોટા વચનો આપતા નેતાઓના ચૂંટણી પૂર્ણ થયા બાદ દર્શન દુર્લભ થઈ જતા હોવાનો રોષ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરાયો છે. 

 ઘણા વર્ષોથી શહેરના અનેક વિસ્તારોમાં ગટર સુવિધાનો અભાવ, પારાવાર ગંદકી, રખડતા પશુઓનો ત્રાસ, બીસ્માર રસ્તા સહિત પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ચૂંટણી ટાણે દર્શન આપતા નેતાઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ અદ્રશ્ય  થઈ જતા હોવાના આક્ષેપો રહીશો કરી રહ્યા છે. ઘણા વર્ષોથી ઉપરોક્ત સમસ્યાઓ માથાના દુખાવા સમાન બની રહી હોવા છતાં પાલિકાના અણઘડ વહીવટ અને સબળ નેતાગીરીના અભાવે કેટલાક વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પામ્યા છે. 

વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર ધમધમતો કરાયો છે ત્યારે આણંદ શહેરની સાતેક જેટલી સોસાયટીઓના રહીશો દ્વારા કોઈપણ પક્ષે છેલ્લા વીસ વર્ષથી અમારી પ્રાથમિક સમસ્યાઓનો હલ કરેલ નથી તો આપ લોકોએ અમારા વિસ્તારમાં ચૂંટણી સમયે વોટ માંગવા આવવું નહિ અને અમોને શરમમાં મુકશો નહીં, અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે તેવા લખાણ સાથેના બેનર લગાવતા રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

 આ વિસ્તારમાં આશરે ૧,૫૦૦ જેટલા મતદારો વસવાટ કરે છે. વધુમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ અમે નિયમિત ટેક્ષ ભરપાઈ કરતા હોવા છતાં તંત્ર પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નિવડયું છે. છેલ્લા વીસેક વર્ષથી આ વિસ્તારો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવા છતાં ચૂંટણી ટાણે મોટા-મોટા વચનો આપતા રાજકીય નેતાઓ ચૂંટણી બાદ આ વિસ્તારને ભૂલી જતા હોઈ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

કઇ સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો ?

શાંતિદીપ સોસાયટી, ચૈતન્યહરિ સોસાયટી, રઘુવંશ સોસાયટી, અંજનીયઆંગન, દરબાર ટેકરા, અવનીપાર્ક અને કર્મનગર વિસ્તાર મળી સાતેક જેટલી સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેતા રાજકીય પક્ષોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

City News

Sports

RECENT NEWS