Get The App

આણંદ જિલ્લાના શીલી ગામની સીમમાં: પુરપાટ જતી રિક્ષા કેનાલમાં ખાબકી ઊંડા પાણીમાંથી ચાલકની લાશ મળી

- શીલીથી ઓડ આવતી રિક્ષાને વળાંક પાસે બ્રેક મારતા અકસ્માત ફાયર બ્રિગેડ અને પોલીસે લાશ અને રિક્ષા બહાર કાઢી

Updated: Feb 16th, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લાના શીલી ગામની સીમમાં: પુરપાટ જતી રિક્ષા કેનાલમાં ખાબકી ઊંડા પાણીમાંથી ચાલકની લાશ મળી 1 - image


આણંદ,તા.16 ફેબ્રુઆરી 2020 રવિવાર

આણંદ જિલ્લાના શીલી ગામની સીમમાંથી પસાર થતી મહીકેનાલના ધસમસતા પાણીમાં શનિવારે મોડી સાંજે એક સીએનજી રિક્ષા ખાબકી હતી જેના કારણે રિક્ષા ચાલક ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મોત નીપજ્યું હતું.

સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ આ સ્થળે આવેલા ગરનાળા પાસે વળાંક લેતી વખતે બ્રેક મારતા રિક્ષા નહેરમાં ઉથલી પડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ તાલુકાના દાગજીપુરાના રિક્ષા ડ્રાઈવર સુરેશ રામાભાઈ ઠાકોર (ઉ.૧૯) રિક્ષા નં. જીજે૦૭એટી૩૮૮૦ લઇને શીલી ગામે ગયો હતો ને સાંજે પરત ઓડ તરફ આવવા નીકળ્યો ત્યારે શીલી ગામની સીમમાં ભાલિયાસર ગામ જવાના રોડ પર કેનાલ પાસે બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાની જાણ વાયુવેગે આ વિસ્તારમાં થઇ જતા લોકોનાં ટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા. દરમ્યાન મૃતકના ભાઈ વિક્રમ ઠાકોરને પણ જાણ થતા પરિવાર સાથે દોડી આવ્યા હતા. બાદમાં ખંભોળજ પોલીસને પણ ખબર મળતા ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ પાણીમાં રિક્ષા ચાલકને શોધવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી નહોતી. જો કે ફાયરની ટીમે રિક્ષા શોધીને બહાર કાઢી હતી. 

બીજા દિવસે સવારે શોધખોળ ચાલુ રાખતા રિક્ષા ચાલકનો મૃતદેહ મળતા બહાર કાઢી પીએમ માટે ઓડ સરકારી દવાખાને મોકલ્યો હતો અને બાદમાં પરિવારજનોને સોંપ્યો હતો. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે વિક્રમ સારાભાઈ ઠાકોરની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સદનસીબે રિક્ષામાં કોઈ પેસેન્જર નહોતું એટલે વધુ જાનહાનિ થઇ નહોતી.

Tags :