કોરોનાગ્રસ્ત મૃતદેહને વિંટાળેલી પ્લાસ્ટિક કિટનો ગામમાં જ નિકાલ કરાતા હોબાળો
- વડોદમાં મહિલાના મોત બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો
- મહિલા દ્વારા કિટનો ખાનગી રાહે નિકાલ કરવા જતા ગ્રામજનોની નજરે ચડી
આણંદ, તા.22 જુલાઈ 2020, બુધવાર
આણંદ તાલુકાના વડોદ ગામે એક ૪૮ વર્ષીય મહિલાનું મૃત્યુ નીપજ્યાં બાદ તેણીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા એક તરફ ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે તો આજે મૃતદેહને જે પ્લાસ્ટીકમાં વીંટાળીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો તે પ્લાસ્ટીક કીટનો નિકાલ કરવા જતી મહિલા ગ્રામજનોના નજરે ચઢતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આણંદ તાલુકાના વડોદ ગામના તકીયાદિવાન સ્ટ્રીટમાં રહેતી એક ૪૮ વર્ષીય મહિલાની તબિયત લથડતા તેણીને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાદમાં તેણીને વડોદરા ખાતે અને ત્યારપછી બોરસદ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. જો કે તેણીની તબિયતમાં કોઈ સુધારો ન થતાં આખરે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જો કે ગઈકાલે સવારના સુમારે તેણીનું મોત નીપજતા તેણીના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવાયો હતો અને પરિવારજનોએ વડોદ ખાતેના કબ્રસ્તાનમાં મહિલાની દફનવિધિ પૂર્ણ કરી હતી.
પરંતુ ગતરોજ મરણ જનાર આ મહિલાનો સાંજના સુમારે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા નાનકડા ગામમાં ભારે ખળભળાટી મચી જવા પામી હતી. મૃતકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જ પરિવારજનો સહિત અંતિમવિધિમાં સહભાગી થનાર લોકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી અને ગામમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા હતા.
દરમ્યાન હોસ્પિટલ ખાતેથી મૃતદેહને પ્લાસ્ટીકની કીટમાં પેક કરી પરિવારજનોને સોંપાયો હતો. જો કે આ પ્લાસ્ટીકની કીટ દુર કરી મહિલાની દફનવિધિ કરી હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારેં આજે આ પ્લાસ્ટીકની કીટનો નિકાલ કરવા જતી મહિલાઓને ગ્રામજનોએ નિહાળતા ગામમાં ભારે ઉહાપોહ થયો હતો. જો કે આ અંગે વડોદના મહિલા સરપંચના પતિ સંજયભાઈ સાથે વાતચીત કરી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતદેહને જે પ્લાસ્ટીક કીટમાં વીંટાળીને આપવામાં આવ્યો હતો તે પ્લાસ્ટીક કીટનો ખાનગી રાહે નિકાલ કરવા જતા ગામમાં હોબાળો મચ્યો હતો અને ગ્રામજનોએ આ અંગે પીએચસી સેન્ટરને જાણ કરતા તેઓની ટીમ આવી હતી અને ઉચ્ચકક્ષાએ જાણ કર્યા બાદ આ કીટને સળગાવીને નિકાલ કરવામાં આવ્યો હતો.
.