આણંદ જિલ્લામાં મંદિરોનાં દ્વાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા
- ગુજરાતમાં અનલોક-૧ જાહેર કરાયા બાદ ભાવિકોને રાહત
- દરેક મંદિરમાં દર્શનાર્થીઓનું સ્કેનિંગ અને સેનિટાઈઝ કરી મંદિરોમાં પ્રવેશ અપાયો ઃ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું
આણંદ, તા.8 જૂન 2020, સોમવાર
દેશભરમાં લોકડાઉનમાંથી છુટછાટ આપ્યા બાદ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે અનલોક-૧ના ભાગરૃપે આજથી શોપીંગ મોલ, હોટલ સહિત ધાર્મિક સ્થળો ખુલ્લા રાખવાની છુટછાટ મળતા આજે સમગ્ર આણંદ જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો ખુલવા પામ્યા હતા.
સરકારી ગાઈડ લાઈન મુજબ વિવિધ ધાર્મિક સ્થળો ખાતે દર્શનાર્થીઓનું સ્કેનીંગ તેમજ સેનીટાઈઝીંગ કરી મંદિરમાં પ્રવેશ અપાયો હતો તથા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે અંગે તકેદારી રાખવામાં આવી હતી. વહેલી સવારના સુમારે ભગવાનની આરતી કરાઈ હતી. જેમાં ગણતરીના ભક્તોને જ પ્રવેશ અપાયો હતો. ત્યારબાદ મર્યાદિત સંખ્યામાં ભક્તોને ભગવાનના દર્શન કરવા દેવામાં આવ્યા હતા.છેલ્લા ૭૫ દિવસથી બંધ રહેલ ધાર્મિક સ્થળો આજે પુનઃ ખુલવા પામ્યા હતા. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આવેલ વિવિધ મંદિરો ખાતે આજે સવારના સુમારે મર્યાદિત ભક્તોની હાજરીમાં ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભક્તોનું સરકારી ગાઈડલાઈન મુજબ સ્કેનીંગ તેમજ સેનીટાઈઝીંગ કરીને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. આણંદ પાસેના લાંભવેલ સ્થિત સુવિખ્યાત ઐતિહાસિક હનુમાનજી મંદિર પણ આજે ૭૫ દિવસ બાદ ખુલવા પામ્યું હતું. દર્શનાર્થે આવતા દાદાના ભક્તોનું સ્કેનીંગ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની મહામારી વચ્ચે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં આવતા ભક્તો માટે ખાસ ટનલ ઉભી કરવામાં આવી છે. આ ટનલ દ્વારા સેનીટાઈઝ થયા બાદ ભક્તોને દાદાના દર્શનનો લ્હાવો આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત આણંદ શહેર સ્થિત સાંઈબાબા મંદિર પણ આજે દર્શનાર્થીઓ માટે ખુલવા પામ્યું હતું. જો કે કોરોના વાયરસના સંક્રમણને લઈ સાંઈબાબા મંદિર ખાતે મર્યાદિત સંખ્યામાં ભક્તોને પ્રવેશ અપાયો હતો. સાથે સાથે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે અંગે પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે વૃધ્ધો તથા બાળકોને ઘરમાં જ રહી ઓનલાઈન દર્શન કરવા અનુરોધ કરાયો હતો. આણંદ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે પણ મંદિરો ખુલતા ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.