Get The App

સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રાનું આણંદ જિલ્લાના નાપા ગામે સ્વાગત કરાયું

- મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર દ્વારા યાત્રાનો પ્રારંભ કરાયો હતો

- બાબુ કાકાની ખડકી ખાતે દાંડી કૂચના યાત્રિકો રોકાણ કર્યા બાદ બોરસદ જવા રવાના થયા

Updated: Mar 19th, 2020

GS TEAM

Google News
Google News
સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રાનું આણંદ જિલ્લાના નાપા ગામે સ્વાગત કરાયું 1 - image


આણંદ,તા.18 માર્ચ 2020, બુધવાર

બંધારણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવવા તથા એકતા, શાંતિ અને  ભાઈચારાનો સંદેશ લઈને પૂ.મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી સહિતના યાત્રિકો દ્વારા ગત તા.૧૨ માર્ચના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરાયેલ દાંડીયાત્રા આજે સવારના સુમારે આણંદ જિલ્લાના નાપા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા દાંડીયાત્રાનું સ્વાગત કરાયું હતું. નાપા ગામે બાબુકાકાની ખડકી ખાતે દાંડીકૂચના યાત્રિકોએ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ બોરસદ જવા રવાના થયા હતા.

આજથી ૯૦ વર્ષ પૂર્વે એટલે કે તા.૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી પૂ.ગાંધીબાપુએ ૭૮ સત્યાગ્રહીઓ સાથે દાંડીયાત્રાનો આરંભ કર્યો હતો. આ દાંડીયાત્રા ૧૭ માર્ચ, ૧૯૩૦ના રોજ આણંદ ખાતે આવી પહોંચી હતી. આણંદ ખાતે એક દિવસ રોકાણ કર્યા બાદ આ દાંડીયાત્રાએ બોરસદ તરફ પ્રયાણ કર્યું હતું અને તા.૧૮ માર્ચ, ૧૯૩૦ના રોજ બોરસદ તાલુકાના નાપા ખાતે પહોંચી હતી. 

ગાંધીજીએ આપેલ મૂલ્યો દેશના પ્રત્યેક નાગરિકમાં જીવંત રહે તેમજ બંધારણ પ્રત્યે નિષ્ઠા જાગે અને દેશભરમાં એકતા, શાંતિ અને ભાઈચારો જળવાય તેવા સંદેશા સાથે પૂ.ગાંધીબાપુના પ્રપૌત્ર તુષાર ગાંધી તથા તેમના સાથીદારો દ્વારા તા.૧૨ માર્ચ, ૨૦૨૦ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી ગાંધીજીના પગલે ચાલી પુનઃ દાંડીયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ દાંડીયાત્રા દરમ્યાન પૂ.ગાંધીબાપુ તથા તેમના સાથીદારો જ્યાં-જ્યાં રોકાયા હતા. ત્યાં તેઓના પ્રપૌત્ર અને સાથીદારો દ્વારા પણ રોકાણ કરવામાં આવી રહ્યું છે. બુધવારના રોજ પૂ.ગાંધીબાપુના પ્રપૌત્રની દાંડીયાત્રા આણંદ જિલ્લાના નાપા ખાતે આવી પહોંચી હતી. જ્યાં ગ્રામજનો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાબુકાકાની ખડકી ખાતે આ દાંડીયાત્રાએ રોકાણ કર્યું હતું.

આ પ્રસંગે તુષાર ગાંધીએ જણાવ્યું હતું કે દાંડીયાત્રાની ઐતિહાસિક ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમથી તા.૧૨ માર્ચ, ૨૦૨૦ના રોજથી દાંડીયાત્રાનો પ્રારંભ કરી પૂ.બાપુ જે માર્ગ પર ચાલ્યા હતા તે ઐતિહાસિક દાંડી માર્ગ ઉપર ચાલી આજે આણંદથી આગળ નાપા ગામે આવી પહોંચ્યા છે. આજે સાંજે બોરસદ જઈશું. દાંડીયાત્રા દરમ્યાન પૂ.બાપુ જે-જે જગ્યાએ બપોરે તેમજ રાત્રિએ રોકાયા હતા તે સ્થળોએ અમે પણ રોકાણ કરતા-કરતા તા.૫મી એપ્રિલ, ૨૦૨૦ના રોજ સાંજે દાંડી પહોંચીશું અને તા.૬ એપ્રિલના રોજ સવારના સુમારે આ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ યાત્રા દરમ્યાન વિવિધ ગામોમાં ગ્રામજનો સાથે સંવિધાન અંગે વાતચીત કરી સવારે વંદે માતરમ્ના ગાયનથી અને સંવિધાનની પ્રસ્તાવિકાના પઠનથી અમો યાત્રાની શરૂઆત કરીએ છીએ.

Tags :