આણંદની મોટી શાકમાર્કેટ પાસે ખરીદી માટે લોકોની ભીડ જામતા અફડાતફડી
- જિલ્લામાં 55 સ્થળે વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ છતાં
- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વ્યવસ્થા છતાં ટોળાં ઉમટયા
આણંદ, તા.28 માર્ચ 2020, શનિવાર
લોકડાઉનને લઈ લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની તંગી ન પડે તે હેતુથી સરકાર દ્વારા દૂધ, શાકભાજી સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે છુટ આપવામાં આવી છે. જો કે આવી ચીજવસ્તુઓના વેચાણ સ્થળે ભીડ એકત્ર ન થાય તે માટે તકેદારી રાખવા પણ જણાવાયું છે પરંતુ આણંદ શહેરની મોટી શાકમાર્કેટ ખાતે સવારના સુમારે ભારે ભીડ જોવા મળી રહી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ દ્વારા આણંદ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ ૫૫ સ્થળોએ શાકભાજી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં શહેરની મોટી શાકમાર્કેટ ખાતે એકત્ર થતી ભીડ અંગે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વડાપ્રધાન દ્વારા સમગ્ર ભારત દેશમાં આગામી તા.૧૪ એપ્રિલ, ૨૦૨૦ સુધી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જો કે લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ અંગે હાડમારી ન વેઠવી પડે તે માટે દૂધ, શાકભાજી, અનાજ-કરિયાણા તથા મેડિકલ સ્ટોર સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓને છુટ આપવામાં આવી છે. આણંદ જિલ્લામાં બપોરના ૨ઃ૦૦ વાગ્યા સુધી શાકભાજી તથા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના વેચાણ અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સવારના સુમારે આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં શાકમાર્કેટમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
ખાસ કરીને આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર આવેલ મોટી શાકમાર્કેટ ખાતે સવારના સુમારે શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો ભારે ભીડ કરી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ભીડ એકત્ર ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવામાં આવતી હોવા છતાં આણંદ શહેરના મોટી શાકમાર્કેટ ખાતે સવારના સુમારે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતા જાગૃતોમાં આશ્ચર્યની સાથે રોષની લાગણી પ્રવર્તી રહી છે.
ઉલ્લેખનીય છે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ દ્વારા આણંદ શહેરના વિવિધ સ્થળો ઉપરાંત જિલ્લાના કરમસદ, જીટોડીયા, મોગરી, ઓડ, સારસા, બેડવા, ચિખોદરા, સામરખા, ખાંધલી, નાવલી-નાપાડ, ત્રણોલ, કુંજરાવ, રાસનોલ, વલાસણ સહિતના વિવિધ ૫૫ જેટલા સ્થળોએ શાકભાજીના વિતરણની વ્યવસ્થા કરાઈ છે. ભીડ એકત્ર ન થાય તે હેતુથી મહાનગરોમાં ઘરે-ઘરે શાકભાજી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે ત્યારે આણંદ શહેરમાં આ મામલે તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાવવામાં આવતા જાગૃતોમાં તંત્રની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠયા છે. આણંદ જિલ્લામાં કોરોના વાયરસ પગપેસારો ન કરે તે માટે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.