For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મગરની વસ્તી ગણતરીઃ ચરોતરના 32 ગામના તળાવમાં 303 મગર વસવાટ કરે છે

Updated: May 24th, 2023

મગરની વસ્તી ગણતરીઃ ચરોતરના 32 ગામના તળાવમાં 303 મગર વસવાટ કરે છે

- રાત્રિ વસ્તી ગણતરી કરાઇ, ગત વર્ષના ઉનાળા કરતા આ વર્ષે 39 મગર વધ્યા

- દેવા, હેરંજ, પેટલી અને ત્રાજ ગામના તળાવોમાં મગરોની સંખ્યા વધુ જોવા મળી

આણંદ : વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા વર્ષમાં બે વખત ચરોતરમાં વસતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવે છે. આ ઉનાળામાં આવેલ રાત્રી વસ્તી ગણતરીમાં ચરોતરના ૩૨ ગામોના તળાવોમાં કુલ ૩૦૩ મગરોની સંખ્યા નોંધાઈ હતી. જેમાં દેવા, હેરંજ, પેટલી અને ત્રાજ ગામના તળાવોમાં ઘણી મોટી સંખ્યામાં મગરો નોંધાયા છે.

ચરોતરમાં વસતા મગરોના સંરક્ષણ માટે વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા વર્ષમાં બે વખત ગણતરી હાથ ધરવામાં આવે છે. ચરોતરના ગામોમાં ઘણા વર્ષોથી મગરોની સંખ્યા વધુ જોવા મળી છે. દુનિયાના બાકી મગરો કરતા ચરોતર પંથકના મગરો ઘણા ભિન્ન છે. કારણ કે તેઓનું માણસો સાથેનું તાદાત્મ્ય સુમેળ ભરેલું જોવા મળે છે. જેને લઈ દુનિયાના લોકોને આ અનુભવવાની ઘણી ઉત્સુકતા હોય છે અને તેથી પુરા દેશમાંથી લોકો આ ગણતરી દરમ્યાન વીએનસી સાથે જોડાય છે. ચાલુ વર્ષે તા.૧૯, ૨૦ અને ૨૧-મે ના રોજ વીએનસી દ્વારા ચારુસેટ યુનિ. સંલગ્ન ચરોતરના મગરોની રાત્રી ગણતરીનો કાર્યક્રમ વેટલેન્ડ વોચ તરીકે યોજાયો હતો. જેમાં ભારતમાંથી જુદા-જુદા દસ રાજ્યોના મગરપ્રેમીઓએ ભાગ લીધો હતો. સાથે જ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓમાંથી મગર પ્રેમીઓ ગુજરાતના આંગણે આવી મગરોની રાત્રી વસ્તી ગણતરીમાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં વીએનસીના ૨૫ જેટલા સ્વયંસેવકો જોડાયા હતા.વિદ્યાનગર નેચર ક્લબના ડાયરેક્ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉનાળામાં આ રાત્રી ગણતરી યોજવાનું કારણ એટલું જ કે ગરમીના ઉંચા તાપમાનમાં પ્રાણીઓમાં પણ તેની અસર જોવા મળતી હોય છે. જેને લઈ દિવસ દરમ્યાન મગરો મોટા ભાગે તળાવમાં રહે છે અને રાત્રી દરમ્યાન બહાર આવીને તથા કિનારાઓ ઉપર આવીને બેસતા હોય છે જેથી ગણતરી કરવી સરળ બને છે. તેઓએ વધુમાં રાત્રી દરમ્યાન મગરોની વસ્તી ગણતરી કરવાની રીત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મગરની આંખો ઉપર પ્રકાશ પાડીને ગણતરી કરવામાં આવે છે. સાથે સાથે વીએનસી દ્વારા ત્રણ દિવસ દરમ્યાન મગર ગણતરીમાં પધારેલ લોકોને ચરોતરમાં આ સમયગાળા દરમ્યાન જોવા મળતા સારસ ક્રેન પણ નજીકથી બતાવ્યા હતા.

Gujarat