આણંદમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ
- શહેરના પાધરીયા વિસ્તારમાં રહેતા આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં
આણંદ, તા.07 એપ્રિલ 2020, મંગળવાર
વિશ્વ આરોગ્ય દિને જ આણંદ જિલ્લાવાસીઓ માટે માઠા સમાચાર છે. મંગળવારના રોજ આણંદ જિલ્લામાં કોરોના વાઈરસે પગપેસારો કરતા એક પોઝીટીવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં રહેતા એક ૫૪ વર્ષીય આધેડનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર દોડતુ થઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની મુલાકાત લઈ આસપાસના ૫૦૦ મીટર વિસ્તારને કોરન્ટાઈન કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં સૌપ્રથમ પોઝીટીવ કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે આજે સવારના સુમારે આણંદ જિલ્લામાં કોરોના વાયરસે પગપેસારો કર્યો હોવાના સમાચારે ભારે હડકંપ મચી જવા પામ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલ એન્ટરપ્રાઈઝ સોસાયટીના એક ૫૪ વર્ષીય આધેડની તબીયત લથડતા તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા પરીક્ષણ કરાતા તેઓનામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળતા વધુ પરીક્ષણ અર્થે તેઓના સેમ્પલ લઈ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આજે સવારના સુમારે અમદાવાદ ખાતેથી તેઓનો રીપોર્ટ આવતા કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળતા આણંદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો સૌપ્રથમ કેસ નોંધાયો છે.
લોકડાઉનના ૧૪ દિવસ બાદ આણંદ જિલ્લામાં કોરોના વાયરસે પગપેસારો કરતા આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. જિલ્લા આરોગ્ય વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રને આ અંગેની જાણ થતાં જ તંત્ર સફાળુ જાગ્યું હતું અને કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની મુલાકાત લઈ તેઓના ઘરના તમામ સભ્યોના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ પોતાના ઘરના સભ્યના કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવતા ઘરના સભ્યો સેલ્ફ કોરન્ટાઈન થઈ ગયા છે. સાથે સાથે જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો કોરોનાગ્રસ્ત દર્દીના ઘરે પહોંચી જઈ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને કોરોના વાયરસ વકરે નહી તે હેતુથી આસપાસના ૫૦૦ મીટર વિસ્તારને કોરન્ટાઈન કરી આ વિસ્તારના રહીશો બહાર ન નીકળે તથા બહારના રહીશો આ વિસ્તારમાં ન આવે તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.
પાધરીયા વિસ્તારની રહેણાંક સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય આધેડને લોકલ સંક્રમણના કારણે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું ઉજાગર થવા પામ્યું છે ત્યારે આણંદ શહેરમાં લોકલ સંક્રમણને લઈ ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. હાલ આ કોરોનાગ્રસ્ત દર્દીને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ ક્યાંય બહારગામ ગયા ન હોવાનું અને સ્થાનિક સંક્રમણ થયું હોવાનું ખુલવા પામ્યું છે.
જેને લઈ સોસાયટી વિસ્તારને સેનેટાઈઝ કરી કોરોન્ટાઈન કરવામાં આવી છે અને લોકોના અવર-જવર ઉપર પ્રતિબંધ મુકાયો છે તથા આ વિસ્તારના રહીશોના હેલ્થચેકઅપ માટે મેડીકલની ટીમો કાર્યરત કરાઈ છે. વધુમાં આ ૫૪ વર્ષીય આધેડ આણંદ નગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગનો કર્મચારી હોવાનું જાણવા મળતા નગરપાલિકાના કર્મચારીઓ સહિત સત્તાધીશોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
આણંદ જિલ્લામાં કોરોના વાયરસે પગપેસારો કરતા જિલ્લા આરોગ્ય તંત્ર સહિતનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી સવારના સુમારે લોકડાઉનનો ભંગ કરી કેટલાક વિસ્તારોમાં વાહનચાલકો રઝળપાટ કરવા નીકળી પડતા હતા ત્યારે આણંદ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાતા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આણંદ શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે તેમજ બહારગામથી આણંદમાં આવતા તમામ વાહનચાલકોને રોકવામાં આવી રહ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની આસપાસનો ૫૦૦ મીટર વિસ્તાર ક્વૉરન્ટાઇન કરી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો ઃ આધેડને લોકલ સંક્રમણના કારણે કોરોનાનો ચેપ લાગ્યો ઃ દર્દીના પરિવારના સભ્યો સેલ્ફ ક્વૉરન્ટાઇન થયા ઃ કોરોનાગ્રસ્ત દર્દી પાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવતો હતો ઃ સોસાયટી વિસ્તારને સેનેટાઇસ કરાયો
પાલિકા કર્મીના સંપર્કમાં આવેલા કર્મીઓની તપાસ શરૂ
આણંદ શહેરમાં નોંધાયેલ કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ પાધરીયા વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. ૫૪ વર્ષીય આ કોરોનાગ્રસ્ત દર્દી આણંદ શહેરની નગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારીનો ટેસ્ટ પોઝીટીવ આવતા નગરપાલિકા સત્તાધીશો ચોંકી ઉઠયા હતા અને સમગ્ર આણંદ નગરપાલિકાને કોરન્ટાઈન કરી નગરપાલિકામાં ફરજ બજાવતા તથા ગત સપ્તાહ દરમ્યાન તેઓના સંપર્કમાં આવેલ તમામ પાલિકા કર્મચારીઓના આરોગ્યની તપાસણી હાથ ધરવામાં આવી છે. આજે સવારના સુમારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નગરપાલિકાના તમામ કર્મચારીઓના હેલ્થની ચકાસણી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ કેસ નોંધાતા તંત્રએ સવારના બજારો બંધ કરાવી દીધા
લોકડાઉનના ૧૪ દિવસ બાદ આણંદ શહેરમાં કોરોના વાયરસે પગપેસારો કરતા સમગ્ર આણંદ શહેરમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. આણંદ શહેરના પાધરીયા વિસ્તારના રહેવાસી અને નગરપાલિકાના કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જિલ્લા વહીવટી તંત્ર સહિત પાલિકા તંત્ર પણ સફાળુ જાગ્યું હતું અને આજે સવારના સુમારે પાલિકાના કર્મચારીઓ તથા પોલીસ કર્મીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી તમામ બજારો બંધ કરાવ્યા હતા. આણંદ શહેરના વહેરાઈમાતા ખાતે મોટુ શાકમાર્કેટ ભરાતુ હોઈ સવારના સુમારે પાલિકા કર્મચારીઓએ આ માર્કેટ બંધ કરાવી આગામી તા.૧૫ એપ્રિલ, ૨૦૨૦ સુધી માર્કેટ બંધ રાખવાના આદેશો કર્યા છે.
ફ્રુટ માર્કેટને શાસ્ત્રી મેદાનમાં ખસેડવાનો નિર્ણય
જિલ્લામાં લોકડાઉનના ભંગ અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે પગલાં ભરવામાં આવ્યા છે. જે અંતર્ગત આણંદ શહેરનું ગંજબજાર સવારના ૧૦ઃ૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. આણંદ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી શાકમાર્કેટને બંધ કરી આ શાકભાજીના વેપારીઓને આણંદના શાસ્ત્રીમેદાન ખાતે ખસેડાયા છે. સાથે સાથે ગુજરાતી ચોક સ્થિત ફ્રુટ માર્કેટને પણ બંધ કરી શાસ્ત્રીમેદાન ખાતે ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં તમામ વેપારીઓએ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું રહેશે.
દર્દીના સંપર્કમાં આવેલા 68 જેટલા આરોગ્ય કર્મી કવોરન્ટાઇન
આણંદ શહેરમાં કોરોનાનો પોઝીટવ કેસ પ્રકાશમાં આવ્યા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના પોઝીટીવ કેસને લઈને પાધરીયા વિસ્તારના ૨૨ વ્યક્તિઓ તેમજ કોરોના પોઝીટીવ દર્દીએ અગાઉ મેડિકલ સારવાર લીધી હોઈ તેના સંપર્કમાં આવેલ ૬૮ જેટલા મેડીકલ, પેરામેડીકલ સ્ટાફને કોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે સાથે કોરોના પોઝીટીવ દર્દીના પરિવારના ૬ સભ્યોને આઈસોલેટ કરી તેઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. સાથે સાથે આ વિસ્તારના કુલ ૨૧૪ રહેણાંક મકાનોમાં ડીસઈન્ફેક્શનની કાર્યવાહી હાથ ધરી મેડિકલની ટીમો કાર્યરત કરવામાં આવી છે. જરૂર પડશે તો આસપાસના અન્ય પાંચ કી.મી. સુધીના વિસ્તારને કોરન્ટાઈન કરવાની કાર્યવાહી કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
શહેરમાં સવારે 10 વાગ્યા સુધી આવશ્યક ચીજો મળશે
આણંદ શહેરમાં સૌપ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્રએ આળસ ખંખેરી છે અને સ્થાનિક સંક્રમણના કારણે જિલ્લામાં કોરોના વાયરસ ફેલાયો હોવાનું પ્રકાશમાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનના અમલ માટે વધુ કડક નિયમો બનાવી હવેથી સવારના ૧૦: ૦૦ કલાક સુધી જ દૂધ, શાકભાજી તેમજ કરિયાણા સહિતની જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ વેપારીઓ દ્વારા વેચાણ કરી શકશે તેવુ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. સવારના ૧૦ઃ૦૦ કલાક બાદ કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે નહીં અને કામકાજ વિના બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.