આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ : વધુ નવા 11 પોઝિટિવ કેસ
- આણંદમાં 3, બોરસદમાં 2, ખંભાતમાં 3, તારાપુરમાં 2 અને ઉમરેઠમાં 1 કેસ નોંધાયો : જિલ્લામાં કુલ કેસોનો આંક 316
આણંદ, તા. 12 જુલાઈ 2020, રવિવાર
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને આ અઠવાડિયા દરમ્યાન જિલ્લામાં અંદાજે ૬૦ જેટલા કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૩૧૬ને પાર કરી ગયો છે. આજરોજ જિલ્લામાં કોરોનાના વધુ નવા ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં આણંદ શહેરમાંથી ૩ બોરસદ તાલકામાં ૨ તારાપુરમાં બે અને ખંભાત,૩ ઉમરેઠમાં ખાતેથી ૧ કેસ નોંધાયા હોવાના અહેવાલ સાંપડયા છે.
આણંદ જિલ્લામાં આજે વધુ નવા ૧૧ કેસ નોંધાયા હતા જેમાં શહેરમાં દેસાઈ કોમ્પલેક્ષમાં રહેતો ૩૯ વર્ષિય પુરુષ, આનંદ એપાર્ટમેન્ટ વ્યાયામ શાળા રોડમાં રહેતો ૫૩ વર્ષિય પુરુષ, આ ઉપરાંત નિલકમલ સોસાયટી, સુડાન રોડ રંગાઈપુરામાં ૪૩ વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ખંભાતમાં પણ ૨૨ વર્ષિય મહિલા અને શહેરની ઉપલીધાર વિસ્તારમાં રહેતો ૬૪ વર્ષિય પુરુષ અને અકબરપુરામાં ૨૫ વર્ષિય યુવાન કોરોનામાં સપડાયો હતો.
જ્યારે તારાપુરમાં ડભોઈ ફળિયું વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષિય યુવતી અને મોટા વાલ્મિકી વાસમાં રહેતી ૩૦ વર્ષિય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ ઉપરાંત ઉમરેઠમાં ભાલેજ સીમ વિસ્તારમાં દાગજીપુરા રોડ પર રહેતો ૯૫ વર્ષિય આધેડ કોરોનામાં સપડાયો હતો. આણંદ જિલ્લામાં ગઈકાલ સુધી કોરોનાના કુલ ૩૦૦ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે વધુ ૧૧ નવા કેસ ઉમેરાતા કુલ દર્દીઓનો આંક ૩૧૬ને પાર કરી ગયો છે ત્યારે આજે શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળોએથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા પાલિકા, પંચાયત તેમજ આરોગ્ય તંત્રની ટીમો કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં દોડી ગઈ હતી અને સેનીટાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરી જે-તે વિસ્તારને સીલ મારવાની કામગીરી કરી હતી.