પેટલાદની સિવિલના મેડિકલ ઓફિસરને કોરોના

- જિલ્લામાં કોરોના વોરિયર્સ વાઈરસની ઝપટે : ખંભાતના દર્દીઓની તપાસ કરતા ચેપ લાગ્યો

- આણંદ જિલ્લામાં ખંભાત વધુ ચાર, પેટલાદમાં એક અને ઉમરેઠમાં એક કેસ નોંધાયો : કુલ આંક ૩૩ને આંબ્યો : અલીંગ વિસ્તારના દંતારવાડમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચારને કોરોના : ઉમરેઠના યુવકને પણ સ્થાનિક ચેપ લાગ્યો


આણંદ, પેટલાદ, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર

આણંદ જિલ્લાના તાલુકા મથક પેટલાદ સ્થિત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કોરોનાથી સંક્રમિત થતા સમગ્ર પેટલાદ પંથકમાં ખળભળાટી મચી જવા પામી છે. બીજી તરફ જિલ્લાના હોટસ્પોટ તરીકે ઓળખાતા ખંભાતના અલીંગ વિસ્તારમાંથી આજે વધુ ચાર કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સાથે સાથે જિલ્લાના તાલુકા મથક ઉમરેઠના વ્હોરવાડ વિસ્તારમાં પણ લોકલ સંક્રમણના કારણે એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ દર્દીનો આંક ૩૩ ઉપર પહોંચ્યો છે.

છેલ્લા બે દિવસ દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું જોર નરમ પડયા બાદ આજે પુનઃ કોરોના વાયરસે અજગરી ભરડો લેતાં આણંદ જિલ્લામાં એક સાથે ૬ જેટલા કોરોનાના પોઝીટીવ દર્દીઓ નોંધાતા જિલ્લાભરમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. તેમાંય ખાસ કરીને જીવના જોખમે કોરોના દર્દીઓની સારવાર કરતા કોરોના વોરીયર્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગઈકાલે પેટલાદ તાલુકાના ઈસરામા ગામની એક મહિલા હેલ્થ વર્કર કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ આજે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તબીબને પણ કોરોના વાયરસે ઝપેટમાં લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે પેટલાદ, કરમસદ તથા આણંદ ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ ખંભાતના કેટલાક શંકાસ્પદ દર્દીઓને પેટલાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં આ દર્દીઓની તપાસ કરનાર તબીબમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તેઓના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. દરમ્યાન આજે આ મેડીકલ ઓફિસરનો ટેસ્ટ પોઝીટીવ આવતા તબીબી આલમમાં ખળભળાટી મચી જવા પામી છે. પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને હોસ્પિટલ નજીક આવેલ મધર ટેરેસા સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય આ તબીબનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તુરંત જ પેટલાદ ખાતે દોડી ગઈ હતી અને સિવિલ હોસ્પિટલ સહિતના આસપાસના વિસ્તારને કોરોન્ટાઈન કરી તબીબના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ જિલ્લાના તાલુકા મથક ખંભાતના અલીંગ વિસ્તારને કોરોના વાયરસે બાનમાં લીધો છે. અલીંગ વિસ્તારના દંતારવાડામાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત અન્ય એક વ્યક્તિ મળી કુલ ચાર વ્યક્તિઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળતા સમગ્ર ખંભાતમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. અલીંગ વિસ્તારમાં ૬૩ વર્ષીય વૃધ્ધા તથા અન્ય બે મહિલાઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે દરજીની વાડી નજીક આવેલ લાંબી ઓટી ખાતે રહેતા એક ૪૫ વર્ષીય પુરૃષનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરના કંસારા બજાર નજીક આવેલ વ્હોરવાડ વિસ્તારમાં અગાઉ નોંધાયેલ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવનાર વધુ એક ૨૮ વર્ષીય યુવક કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આજે નોંધાયેલ તમામ ૬ દર્દીઓને આણંદની સિવિલ હોસ્પિટલ તથા કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ખંભાતમાં કુલ ૨૩ કેસ નોંધાયા

આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાતનો અલીંગ વિસ્તાર કોરોના વાયરસથી સંક્રમિત થઈ હોટસ્પોટ બન્યો છે. અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં નોંધાયેલ કુલ ૩૩ કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ ખંભાતના અલીંગ વિસ્તારના દર્દીઓ છે. જિલ્લાના વડામથક આણંદમાં ૧, હાડગુડમાં ૩, નવાખલમાં ૧, ઉમરેઠમાં ૩, પેટલાદમાં ૨ અને ખંભાતમાં ૨૩ મળી કુલ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૩ ઉપર પહોંચી છે. ત્યારે ખંભાતના અલીંગ વિસ્તારમાંથી રોજેરોજ પ્રકાશમાં આવી રહેલ નવા કોરોનાના પોઝીટીવ કેસોને લઈ અમદાવાદની જેમ અલીંગ તેમજ આસપાસના વિસ્તારોમાં ટેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો મોટાપાયે કોરોનાના કેસો મળી આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

સિવિલ આસપાસના વિસ્તારને ક્વોરન્ટાઈન કરી સેનેટાઈઝ કરાયા

તાલુકા મથક પેટલાદ શહેરમાં કોરોના વોરીયર્સ તબીબ કોવિડ-૧૯થી સંક્રમિત થતા સ્થાનિક વહીવટી તંત્ર સહિત પાલિકાની ટીમ તુરંત જ એક્શનમાં આવી હતી અને નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગની ટીમો તુરંત જ સિવિલ હોસ્પિટલ તેમજ મધર ટેરેસા સોસાયટી ખાતે પહોંચી ગઈ હતી. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મધર ટેરેસા સોસાયટીના ૧૮ તથા નજીકમાં આવેલ શિવમ સોસાયટીના ૨૦ અને રામબાગ સોસાયટીના ૧૪ મકાનોને  કોરોન્ટાઈન કરી સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરવાની કામગીરી આરંભી હતી.

તબીબના પત્ની, સાળાને ક્વોરન્ટાઈન કરી સેમ્પલ લેવામાં આવ્યા

આણંદ જિલ્લાના પેટલાદની સિવિલ હોસ્પિટલ  ખાતે ફરજ બજાવતા તબીબનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગે તબીબના પત્ની તેમજ પરિવારજનોને કોરોન્ટાઈન કરી તેઓના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. તબીબના પત્નીનો ભાઈ છેલ્લા કેટલાક મહિનાથી તબીબની ટ્રેનીંગમાં પેટલાદ ખાતે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે આ તબીબ પેટલાદ સિવિલ હોસ્પિટલમાં કોના-કોના સંપર્કમાં આવ્યા છે તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉમરેઠના કોરોનાગ્રસ્ત યુવકની પત્ની બાળકીના પણ સેમ્પલ લેવાયા

જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરમાં આજે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ઉમરેઠમાં કોરોનાના દર્દીઓનો કુલ આંકડો ત્રણ ઉપર પહોંચ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. વ્હોરવાડ વિસ્તારમાં જ રહેતા ૨૮ વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓને આણંદની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. સાથે સાથે કોરોનાગ્રસ્ત દર્દીના પત્ની તેમજ બાળકીની પણ આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ અર્થે સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

સિવિલની અન્ય પાંચ નર્સ માટે આઇસોલેશન વોર્ડમાં જ રહેવાની વ્યવસ્થા કરાઈ

ખંભાતમાં તાજેતરમાં કોરોનાનો ભરડો વધતા વહીવટી તંત્ર ઉંધા માથે થયું હતું. અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને સંક્રમણને અટકાવવા આદેસો કરાયા હતા. પરંતુ સરકારના બે વિભાગો વચ્ચે સંકલન ન સધાતા પેટલાદ સિવિલમાંથી તબીબોની ટીમને ખંભાત ખાતે મોકલાઇ હતી. દરમિયાનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરનાર સિવિલના તબીબ ઝપટે ચડતા તેના સંપર્કમાં આવેલી પાંચ નર્સોને આઇસોલેશન વોર્ડમાં રહેવાની વ્યવસ્થા કરાઇ છે.

સિવિલના મેડિકલ ઓફિસરના સંપર્કમાં આવેલી બે નર્સનાં પણ સેમ્પલ લેવાયા

પેટલાદ સિવિલના મેડિકલ ઓફિસરને કોરોના થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. અને તબીબના સંપર્કમાં આવેલી બે નર્સને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તેમને કવૉરન્ટાઇન કરી સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય કર્મીઓના ઘરની તંત્ર દ્વારા મુલાકાત લઇ સર્વેલન્સની કાર્યવાહી શરૃ કરાઇ છે.

City News

Sports

RECENT NEWS