ખંભાતમાં 60 વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવ : કુલ આંક 84 પર પહોંચ્યો
- આણંદ જિલ્લામાંથી હજી કોરોના હટતો નથી
કાર્ડિયાક કેર સેન્ટરમાં આઇસોલેટ કરી સારવાર શરૂ કરાઈ : પરિવારજનોનું પણ તબીબી પરીક્ષણ હાથ ધરાયું
આણંદ, તા.11 મે 2020, સોમવાર
આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાતના મીરકૂઈ વાડા ખાતેથી આજે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાતા ખંભાતમાં કુલ દર્દીઓનો આંક ૬૯ ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં કોરોનાના કુલ ૮૪ પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે ખંભાત ખાતેથી પ્રકાશમાં આવેલ કોરોના પોઝીટીવના દર્દીને ખંભાતના કાર્ડીયાક કેર સેન્ટર ખાતે આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. સાથે સાથે તેઓના પરિવારજનોનું પણ તબીબી પરીક્ષણ હાથ ધરાયું છે.
એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં આણંદ જિલ્લામાં કોરોના વાયરસે પગપેસારો કર્યા બાદ બીજા સપ્તાહ દરમ્યાન જિલ્લાના નવાબી નગર ખંભાતને કોરોના વાયરસે ભરડામાં લીધો હતો. જિલ્લામાં નોંધાયેલ કોરોનાના દર્દીઓ પૈકી ૮૦ ટકા દર્દીઓ એકમાત્ર ખંભાત શહેરમાંથી જ પ્રકાશમાં આવતા જિલ્લા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો અને ખંભાતવાસીઓમાં પણ ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. ખંભાત ખાતેથી અનેક કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા બાદ નાગરિકોની સલામતી અર્થે સરકાર દ્વારા આણંદ જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યો હતો.
જો કે ત્યારબાદ ધીમે-ધીમે આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટવા પામ્યું હતું. ગત સપ્તાહ દરમ્યાન જિલ્લામાંથી એકલ-દોકલ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા. ગઈકાલ રવિવારના રોજ ખંભાતના અકબરપુર વિસ્તારની ૫૬ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે મીરકૂઈ વાડાના ૬૦ વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક ૮૪ ઉપર પહોંચ્યો છે.
ગત રવિવાર સુધીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૬૮૦ વ્યક્તિઓના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી છે. જે પૈકી ૫૯૭ વ્યક્તિઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૬૪ દર્દીઓને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગઈકાલે કોરોનાના ૧૭ દર્દીઓને રજા અપાયા બાદ હવે કોરોનાના કુલ ૧૧ એક્ટીવ દર્દીઓ રહ્યા છે. જે પૈકી ૨ દર્દી વેન્ટીલેટર ઉપર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જ્યારે એક દર્દી ઓક્સિજન ઉપર અને ૮ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.