કોરોના કહેર : આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 244 પ્રવાસીનું સ્ક્રીનિંગ કરાયું
- ચરોતર પંથકમાં વાઈરસથી બચવા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
- જિલ્લામાં 7 કંટ્રોલરૂમ શરૂ કરાયા : બે પ્રવાસીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા : સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોમાં ફલૂ કોર્નર બનાવાઈ
આણંદ,તા. 17 માર્ચ 2020, મંગળવાર
વિશ્વભરમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રભાવ વધે નહી તે હેતુથી જિલ્લા કક્ષાએ ખાસ તકેદારી રાખવા સૂચનો કરાયા છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં અત્યાર સુધી બહારથી આવેલ કુલ ૨૪૪ પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી બે પ્રવાસીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ તેમના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
આ અંગે જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે સાવચેતીના પગલાંરૂપે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં આઈસોલેશન વોર્ડ, લોજીસ્ટીકસ અને તબીબી સેવાઓને સુસજ્જ કરવામાં આવી છે. તબીબો અને પેરામેડીકલ સ્ટાફને જરૂરી તાલીમ અને સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં શાળા-કોલેજો, સિનેમાગૃહો, ટયુશન ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા છે. સરકારી દવાખાનાઓની સાથે ખાનગી દવાખાનાઓમાં પણ ફ્લુ કોર્નર બનાવવા જણાવવામાં આવ્યું છે. મેળાઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમીનાર સહિત સમુહ એકત્રિત થાય તેવા કાર્યક્રમો ન યોજવા જે-તે વિભાગોને જાણ કરાઈ છે.
જિલ્લાની આણંદ તથા પેટલાદ ખાતેની બે સરકારી હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય ખાનગી ચાર હોસ્પીટલો ખાતે પણ ૫૩ પથારીના આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાઈરસ અંતર્ગત જિલ્લામાં ૨૪ બાય ૭ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ મેડીકલ ઓફિસરોનો વર્કશોપ યોજી માર્ગદર્શન અપાયું છે.
આજરોજ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મીટીંગનું આયોજન કરાયું હતું અને આગામી બે દિવસ દરમ્યાન જિલ્લાના વિવિધ એસ.ટી. ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને કોરોના વાયરસ અંગેની તાલીમ આપવાનું આયોજન કરાયું છે. સાથે સાથે જિલ્લાના તમામ કોમ્પ્યુનીટી હેલ્થ ઓફિસર તથા તબીબોને તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસ અંગે જાગૃતિ લાવવા જાહેર સ્થળોએ હોર્ડિંગ્સ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર સલામતીના પગલાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું.
કથા તાલુકાના કેટલા પ્રવાસીઓ ઓબર્ઝવેશન હેઠળ
તાલુકો |
કુલ પેસેન્જર |
ઓબર્ઝવેશન પૂર્ણ |
ઓબર્ઝવેશન હેઠળ |
આણંદ |
૧૪૫ |
૬૦ |
૮૫ |
આંકલાવ |
૩ |
૨ |
૧ |
બોરસદ |
૧૭ |
૫ |
૧૨ |
ખંભાત |
૨૬ |
૨૨ |
૪ |
પેટલાદ |
૩૩ |
૬ |
૨૭ |
સોજિત્રા |
૩ |
૨ |
૧ |
તારાપુર |
૩ |
૧ |
૨ |
ઉમરેઠ |
૧૪ |
૫ |
૯ |
કુલ |
૨૪૪ |
૧૦૩ |
૧૪૧ |